લીલીયાના પુંજાપાદર ગામે ગેસ લીકેજને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સવારે રસોડામાં ગેસનો ચૂલો સળગાવવા જતાં જ અચાનક જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેમાં મહિલા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અંગે રાજેશભાઇ મનજીભાઇ ધાનાણી (ઉ.વ.૫૭)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની કૈલાસબેન રાજેશભાઇ ધાનાણી (ઉ.વ.૫૫) સવારના પોણા સાતેક વાગ્યે પોતાના ઘરે ચા-નાસ્તો બનાવવા રસોડામાં ગયા હતા. રસોડામાં રહેલા ગેસના બાટલાથી ચૂલા સાથે જોડેલી રબરની નળી ચૂલા તરફથી તૂટી ગઈ હતી અને ત્યાંથી રાત્રિના સમયે ગેસ લીકેજ થતો હતો. સવારે તેમના પત્નીએ રસોડામાં જઈ ગેસ શરૂ કરવા (સળગાવવા) જતાં અચાનક ધડાકા સાથે આગ લાગતાં તેઓ આખા શરીરે દાઝી ગયા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી. બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.






































