લીલીયા તાલુકાના કણકોટ ગામે રેવન્યુ વિસ્તારમાં થોડા દિવસો પહેલા સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સિંહણનું મોત વીજશોકથી થયુ હોવાના પ્રાથમિક તારણ સાથે વનવિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસના અંતે સિંહણનું મોત નિપજાવનાર બે શખ્સોને વનવિભાગે ઝડપી પાડ્યા હતા.
કણકોટના રેવન્યુ વિસ્તારમાં થોડા દિવસો પહેલા શંકાસ્પદ હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં સિંહણનું મોત વીજ કરંટ લાગવાથી થયું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી જેથી વનવિભાગે ૮ જેટલી ટીમ બનાવી સિંહણનું મોત નિપજાવનારની તપાસ શરૂ કરી હતી. ટીમ દ્વારા પાંચ દિવસની શોધખોળના અંતે કંઈ હાથ ન લાગતા આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના આધારે તપાસ શરૂ કરી હતી જેમાં એક નંબર શંકાસ્પદ લાગતા પોલીસે શંકાના આધારે જયરાજ રામકુભાઈ બોરીચા રહે.આંબાની પુછપરછ કરી હતી જેમાં જયરાજે સિંહણનું મોત તેની વાડીમાં ગોઠવેલા વીજકરંટને અડવાથી થયુ હોવાની કબુલાત આપી હતી. જેથી વનઅધિકારીઓને આ ઘટનામાં સામેલ જયરાજ અને તેનું ભાગીયુ રાખતા સરદાર કલયા બધેલ નામના ઈસમની ધરપકડ કરી હતી. આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યુ હતું કે સલડી અને આંબા ગામ વચ્ચે આવેલી વાડીમાં વીજકરંટને અડવાથી સિંહણનું મોત થયુ હતું જેથી સિંહણના મૃતદેહને સનેડામાં લઈ પાંચ કિ.મી. દુર કણકોટ ગામે ફેંકી દેવામાં આવ્યો હતો અને આરોપીઓએ પહેરેલ કપડા પણ સળગાવી દીધા હતા અને ખેતરમાં ગોઠવેલ વીજકરંટને દૂર કરી લાકડાને સળગાવી દીધા હતા અને સનેડાને ધોઈ નાખ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી વનવિભાગ દ્વારા બંને આરોપીઓને લીલીયા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જિલ્લા જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.





































