લીલીયા તાલુકાના કણકોટ ગામ પાસે એક નીલગાયને હડકવા ઉપડતા તેણે ગામમાં ભારે દોડધામ મચાવી હતી. હડકાયા થયેલા આ વન્યપ્રાણીએ રસ્તામાં આવતા લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નીલગાયે ઓચિંતા હુમલો કરતા રમેશભાઈ બાબરીયા અને ભાનુબેન ગોસાઈ નામના બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હડકવાને કારણે નીલગાય હિંસક બનીને સતત લોકોની પાછળ દોડી રહી હતી, જેના કારણે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ લીલીયા રેન્જ વનવિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા આ નીલગાયને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, મહામહેનતે વનવિભાગ દ્વારા નીલગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. નીલગાયને લઈ જતી વખતે જ તેમનું મોત થઈ જતા દફનવિધી કરવામાં આવી હતી.