લીલીયાના આંબા ગામે ખેડૂતને માથામાં કુહાડી મારીને ઈજા પહોંચાડી હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. ભરતભાઈ બચુભાઈ સાવજ (ઉ.વ.૪૭)એ મહેશભાઈ જગુભાઈ બોરીચા તથા લગધીરભાઈ બોરીચા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મહેશભાઈ બોરીચા તેમના ખેતરમાંથી મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. જે અંગે બોલાચાલી થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી આરોપીઓ તેમના ખેતરમાં મોટરસાયકલ લઈને આવ્યા હતા. તેમને માથાના ભાગે કુહાડીથી ઈજા પહોંચાડી હતી તેમજ લાકડી વડે આડેધડ માર માર્યો હતો અને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ મહેશભાઈ જગુભાઈ બોરીચા (ઉ.વ.૨૫)એ ભરતભાઈ બચુભાઈ સાવજ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોતાની મોટરસાયકલ લઈને તેમના પિતાને ટિફિન દેવા વાડીએ જતા હતા. વાડીનો રસ્તો ખરાબ હોવાથી આરોપીના ખેતરમાંથી મોટરસાયકલ ચલાવી હતી. જે બાબતનું આરોપીએ મનદુઃખ રાખી તેમને ગાળો આપી હતી તેમજ લોખંડની રાપથી માથાના ભાગે ઈજા પહોંચાડીને જાનથી મારવાની ધમકી આપી હતી.