લીલીયાના આંબા ગામે સહકારી મંડળીમાં ફરજ બજાવતાં મંત્રીએ રૂપિયા ૧.૬૧ કરોડથી વધુ રકમની ઉચાપત કરી હતી. જીજ્ઞેશભાઇ મનસુખભાઇ સાવજ (ઉ.વ.૩૫)એ સાવરકુંડલામાં રહેતા અશોકભાઇ ભાયલાલભાઇ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ આંબા ગામે સેવા સહકારી મંડળી (શ્રી ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.)માં મંત્રી તરીકેની તા.૦૫/૦૭/૨૪ થી તા.૧૭/૦૧/૨૫ સુધીની ફરજ દરમિયાન મંડળીના અલગ અલગ સભાસદો પાસેથી મધ્ય મુદત ધિરાણની હપ્તાની તથા વ્યાજની તથા શેરની તથા મંડળીના રાસાયણિક ખાતરના વેચાણની કુલ રકમ રૂ.૧,૭૧,૨૧,૪૫૭.૭૭/- પુરા અંકે રૂપિયા (એક કરોડ એકોતરે લાખ એકવીસ હજાર ચારસો સતાવન અને સત્યોતેર પૈસા પુરા) મંડળીના રોજમેળમાં જમા લીધા હતા. આ નાણાની સીલક ગેરકાયદે મર્યાદા બહાર હાથ ઉપર રાખી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. આંબા શાખામાં જમા ન કરાવી નાણાની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમાં લઇ મંડળી તથા બેન્ક સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો. મંડળીની રકમની ઉચાપત જાહેર થતા આરોપીએ ઉચાપતની સીલક પૈકીના નાણા રૂ.૯,૫૧,૪૩૨/- બેન્કમાં જમા કરાવ્યા હતા. બાકીના રૂ.૧,૬૧,૭૦,૦૨૫.૭૭ અંકે રૂપિયા (એક કરોડ એકસઠ લાખ સીતેર હજાર પચ્ચીસ અને સત્યોતેર પૈસા પુરા) બેન્કમાં જમા નહીં કરાવી તેમના અંગત ઉપયોગમાં લઇ આંબા સેવા સહકારી મંડળી તથા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક (આંબા શાખા) સાથે ગુનાહીત વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.