લીલિયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ધામત દ્વારા સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને અમરેલીના એ.સી. પરીખને આ અંગે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લીલિયા સિટીમાં ચાલી રહેલા કેબલના કામને કારણે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી રવિવારે વીજકાપ રાખવામાં આવતો હતો. લીલિયા ડાયમંડ એસોસિએશનની મીટિંગમાં નાયબ ઇજનેર સી.કે. દેવમુરારી દ્વારા હીરા કારખાનેદારોને રવિવારે રજા રાખવા વિનંતી કરાઈ હતી, જેનું પાલન કારખાનેદારોએ કર્યું હતું. જોકે, રવિવારે બેંક, સરકારી કચેરીઓ અને દવાખાના જેવા મહત્વના કામો ન થવાને કારણે રત્નકલાકારોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આથી, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ધામત દ્વારા ફરી એકવાર ગુરુવારે પાવર કાપ ખસેડવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને એ.સી. પરીખને WhatsApp દ્વારા પણ પત્ર પાઠવી વિનંતી કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને, લીલિયા PGVCL કાર્યપાલક ઇજનેર સી.કે. દેવમુરારી દ્વારા હવે પછીના દિવસોમાં રવિવારને બદલે ગુરુવારે પાવર કાપ રહેશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.