લીંબુ ભલે સ્વાદમાં ખાટું હોય પણ લવ સ્ટોરીમાં લીંબુ આવવાથી પ્રેમરસ ખાટો થઈ જતો નથી બલ્કે મીઠો થાય છે અને એટલે જ પ્રેમિકાઓ ગાય છેઃ લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા રાજ લીંબુડા ઝૂલે તારા બાગમાં… નહિતર લીંબુના ઝાડ પાસે પ્રેમી-પ્રેમિકા હિન્દી ફિલ્મોના ગીતોમાં જે રીતે રોમાંચ કરે છે એવો રોમાન્સ પણ કરી શકાતો નથી. તોય કેટલાક ગુજરાતી ગીતોમાં પ્રેમિકાઓ જે રીતે સોના રૂપાના ઘરેણાની માંગણી કરે છે એ રીતે લીંબુડાની માંગણી પણ થાય છે. લીબુડા, લીંબુડા, લીંબુડા… કાચા પાકા લીંબુડા લાય દો…
લીંબુનો ઉદ્દભવ દક્ષિણપૂર્વ એશિયામાં થયો હોવાનું માનવામાં આવે છે, જ્યાં તે ૨,૦૦૦ વર્ષ પહેલાં ઉગાડવામાં આવ્યા હતા. તે ૧લી સદીમાં આરબો દ્વારા ભૂમધ્ય પ્રદેશમાં પરિચયમાં આવ્યા હતા અને બાદમાં યુરોપમાં વ્યાપકપણે ઉગાડવામાં આવ્યા હતા.
લીંબુ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સાઇટ્રસ ફળોમાંનું એક છે, જે વિટામિન સી, એન્ટીઆૅકિસડન્ટો અને અન્ય આવશ્યક પોષક તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે. લીંબુ એ વિટામિન સીના સૌથી સમૃદ્ધ સ્ત્રોતોમાંનું એક છે, એક આવશ્યક પોષકતત્વ જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ચેપ સામે લડે છે અને કોલેજન ઉત્પાદનને ટેકો આપે છે. લીંબુમાં ફ્‌લેવોનોઈડ્‌સ, લિમોનોઈડ્‌સ અને કેરોટીનોઈડ્‌સ સહિતના વિવિધ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવવા અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. લીંબુ પોટેશિયમનો સારો સ્ત્રોત છે, એક ઈલેક્ટ્રોલાઈટ જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હૃદયના સ્વસ્થ કાર્યને ટેકો આપે છે અને સ્નાયુઓને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. લીંબુમાં ડાયેટરી ફાઇબર હોય છે, જે પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા, તંદુરસ્ત બ્લડ સુગર લેવલને ટેકો આપવા અને વજન વ્યવસ્થાપનમાં પણ મદદ કરી શકે છે.
આમ તો તમે ગમે તે ફળની વાત કરો, આરોગ્ય શાસ્ત્ર તેના વખાણ કરતા થાકતું જ નથી. આપણે જે ફળ વિશે વાંચતા હોઈએ એ ફળ જ વિશ્વનું અદ્‌ભુત ફળ છે એવું લાગ્યા કરે. (જ્યાં સુધી વાંચતા હોઈએ ત્યાં સુધી, પછી શેઠની શિખામણ ઝાંપા સુધી.) લીંબુનું પણ એવું જ છે આરોગ્ય શાસ્ત્રીઓ કહે છે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુમાં વિટામિન સીનું ઊંચું પ્રમાણ રોગપ્રતિકારક શક્તિને મદદ કરે છે, શરદી અને ફ્‌લૂની તીવ્રતા ઘટાડે છે. ( હવે અમારા વડીલો પાછા વર્ષોથી એવી બૂમો પાડે છે કે શરદી હોય તો લીંબુ નંય ખાવાનું, ખાટું નહીં ખાવાનું. આમાં આપણે માનવું કોનું?) એસિડ વિશે વડીલોએ એટલી બધી સૂચનાઓ આપી છે કે તેને અડવાથી પણ રીતસરની બીક લાગે છે પણ વૈજ્ઞાનિકો કહે છે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે પાચનને ઉત્તેજીત કરવામાં, અપચાના લક્ષણોને દૂર કરવામાં અને સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાને ટેકો આપવામાં મદદ કરી શકે છે.
તમારા મિત્રો તમને જો જાડિયો કહીને બોલાવતા હોય તો એ લોકોને ચૂપ કરવા માટે લીંબુ ખાવું જરૂરી છે કારણ કે લીંબુના અભ્યાસુ કહે છે કે લીંબુમાં પેક્ટીન હોય છે, જે એક પ્રકારનું ફાઈબર છે જે પૂર્ણતાની લાગણીને પ્રોત્સાહન આપવા, કેલરીની માત્રા ઘટાડવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આમ તો લીંબુના ભાવો સાંભળીને ઘણી વખત આપણું બ્લડપ્રેશર વધી જાય છે પરંતુ લીંબુનું નિયમિત સેવન કેટલાક અભ્યાસોમાં બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે, સંભવતઃ પોટેશિયમની સામગ્રીને કારણે.
સંબંધોમાં ખટાશ આવે તે આપણને કોઈને ગમતું નથી પરંતુ સ્વાદમાં ખટાશ આવે તે તો હંમેશા આપણને ગમે જ છે અને એટલે જ લીંબુનો રસ ચા, કોકટેલ અને સોફ્‌ટ ડ્રિંક્સમાં લોકપ્રિય ઘટક છે. લીંબુના રસનો ઉપયોગ ઘણીવાર સલાડ ડ્રેસિંગ, મરીનેડ્‌સ અને ચટણીઓમાં થાય છે. લીંબુના ઝાટકા અને રસનો ઉપયોગ સામાન્ય રીતે કેક, કૂકીઝ અને મફિન્સ જેવા બેકડ સામાનમાં થાય છે. માછલી, સીફૂડ અને સલાડ જેવી વાનગીઓ માટે લીંબુ ફાચર અથવા સ્લાઇસેસનો ઉપયોગ ઘણીવાર ગાર્નિશ તરીકે થાય છે. આ બધા ઉપયોગોના કારણે જ ઘણી વખત પતિ રસોડા માટે લીંબુ ના લાવે તો બંનેના સંબંધો અમુક દિવસો પૂરતા ખાટા થઈ જતા હોય છે અને લીંબુ આવે પછી જ તે લીંબુની ખટાશના કારણે સંબંધો મીઠા થતા હોય છે. આમ લીંબુ ભલે સ્વાદમાં ખાટા હોય પણ તેની અસરમાં અસરકારક મીઠાશ હોય છે.