લીંબુનું પતંગિયું: આ કીટકની નાની ઈયળો પક્ષીની હગાર જેવી હોવાથી તેને “હગારીયા ઈયળ” તરીકે ઓળખવામાં આવે છે. મોટી ઈયળો લીલા રંગની, ૪ સે.મી. જેટલી છેલ્લા ખંડ ઉપર વક્ષ બાજુએ શીંગડા જેવી રચના ધરાવે છે. આ જીવાતનો વધારે ઉપદ્રવ નર્સરી અવસ્થાએ રોપામાં જોવા મળે છે. ઈયળ કુમળા પાનની કિનારી તરફથી ખાવાનું શરૂ કરી નસ સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈ જાય છે. વધુ ઉપદ્રવ વખતે ઝાડ તથા રોપાને ઝાંખરા જેવા બનાવી દે છે. તેનો ઉપદ્રવ અપ્રિલ થી ઓક્ટોબર દરમિયાન જોવા મળે છે. પરંતુ ઓગસ્ટ – સપ્ટેમ્બરમાં તે વધારે સક્રિય હોય છે.
નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઈયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરુઆતમાં લીંબોળીના ૫૦૦ ગ્રામ મીંજનો અર્ક અથવા બેસીલાસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય ત્યારે કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મી. લી. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
પાનકોરીયું: આ જીવાતના ફૂદા નાના કદના ૪ મી.મી. પહોળા અને નાજુક હોય છે. તે આગળની પાંખો ઉપર ભૂખરા રંગની લાઈનો અને ખૂણાના ભાગે કાળા ટપકા ધરાવે છે, જયારે પાછળની પાંખો સફેદ હોય છે. તેની ઈયળ આછા પીળા કે આછા લીલા રંગની હોય છે. પૂર્ણ વિકસિત ઈયળ આશરે અડધો સે.મી. જેટલી લાંબી હોય છે જે પાનની બે પડ વચે રહી સર્પાકાર બોગદું બનાવે છે જે ચળકતું સફેદ રંગનું દેખાય છે. આ જીવાત જીવાણુંજન્ય બળિયા ટપકા નામનો રોગ ફેલાવવા માટે સગવડ પૂરી પડે છે.
લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છાટણી ફક્ત શિયાળામાં જ કરવી. વારંવાર નાઈટ્રોજનયુક્ત ખાતરો આપવા નહી. ઉપદ્રવની શરુઆતમાં લીમડાનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા એક કિ.ગ્રા. લીમડાના ખોળનો કસ અથવા એક કિ.ગ્રા. લીમડા/નફટીયાના પાનનો કસ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. , મીથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. , એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ. કવીનાલ્ફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. ફેન્વાલ્રેત ૨૦ ઇસી ૫ મિ.લિ. પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
સાયલા: આ કીટકના બચ્ચા ચપટ, ગોળાકાર અને પીળાશ પડતા ગુલાબી રંગના હોય છે. જયારે પુખ્ત નાના અને બદામી રંગના હોય છે. તેના મોઢા તરફનો ભાગ પાનની સપાટી તરફ અને ઉદરનો ભાગ ઉચો રહે છે. બચ્ચા તેમજ પુખ્ત કીટક કુમળા પાન, કળીઓ તેમજ
વૃદ્ધિ પામતી ડુખોમાંથી રસ ચૂસે છે. જેથી ઉપદ્રવિત ભાગ પીળો પડીને સુકાઈ જાય છે. આ કીટક તેની લાળ સાથે ઝેરી તત્વ ઝાડમાં ઉમેરે છે. જેને લીધે નુકસાન પામ્યા સિવાયની બાજુની ડાળીઓ પણ સુકાઈ જાય છે. તેના શરીરમાંથી ચીકણો મધ જેવો રસ ઝરે છે. તેના પર કાળી ફૂગનો વિકાસ થાય છે. પરિણામે ઉત્પાદન ઉપર વિપરીત અસર થય છે. આ જીવાત વિષાણુંજન્ય લીલવા અને છોડની વૃદ્ધિ રૂંધતા રોગનો ફેલાવો પણ કરે છે.
ઉપદ્રવિત અને સુકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. શરુઆતમાં લીંબોળીના મીંજનો ભૂકો ૨૦૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કિટનાશક ૨૦ મિ.લિ. થી ૪૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો પાન્નકોરીયા માટે દર્શાવેલ રસાયણિક કીટનાશકમાંથી કોઈપણ એક કીટનાશકનો છંટકાવ કરવાથી સાયલાનું નિયંત્રણ મળે છે.
સફેદ માખી: આ જીવાત શરીરે પીળી, સફેદ કે રાખોડી રંગની પાખોવાળી અને લાલ આંખોવાળી હોય છે. બચ્ચા અંડાકાર, કાળાશ પડતા અને વાળની ઝાલરવાળા હોય છે. બચ્ચા અને પુખ્ત કુમળા ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાન પામેલા ડાળીમાંથી પાન કોકડાયને ખરી પડે છે. તેના શરીરમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકસે છે. જે પ્રકાશસંશ્લેષણ પક્રિયામાં અવરોધ ઉભો કરે છે. માર્ચ-એપ્રિલ અને ઓગસ્ટ – સપ્ટેમ્બર દરમિયાન આ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.
ભલામણ થયેલા અંતરે રોપણી કરવી. નબળા નિતારવાળી જમીનમાં વાવેતર કરવું નહી. ઉપદ્રવની શરુઆતમાં લીમડા આધારિત કીટનાશક ૨૦ મિ.લિ. થી ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ કવીનાલફોસ ઇસી ૨૦ મિ.લિ. પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
કાળી માખી: આ જીવાતના બચ્ચા અને પુખ્ત કાળા રંગના હોય છે. બચ્ચા ભીંગડા જેવા હોય છે. જે પાનની નીચેની બાજુએ ચોંટેલા હોય છે. પુખ્ત કીટકની પાંખની લંબાઈ તેના ઉદરપ્રદેશ કરતા પણ વધુ હોય છે. બચ્ચા અને પુખ્ત એમ બને અવસ્થામાં રસ ચૂસીને નુકસાન કરે છે. જેથી ઝાડના વિકાસમાં ઘટાડો થાય છે. પાન કોકડાઈ જાય છે. તેમજ અપરિપક્વ અવસ્થાએ જ ખરી પડે છે. ફૂલ, કળી અને વૃદ્ધિ પામતા ફળો ખરી પડે છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકસે છે. જે પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે છે. તેનો ઉપદ્રવ ખાસ કરીને માર્ચ-એપ્રિલ અને જુલાઈ-ઓક્ટોબર દરમિયાન જોવા મળે છે.
મોલો: મોલોના બચ્ચા તેમજ પુખ્ત છોડની કુમળી ડુંખો, ફૂલ, કળી તથા અન્ય કુમળા ભાગોમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનગ્રસ્ત પાન કોકડાયને કપ જેવા થઈને છેવટે ખરી પડે છે. ફૂલ અને કળીઓ પણ ખરી જાય છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવું ચીકણું પ્રવાહી પાન પર પડતા તેના પર કાળી ફૂગ વિકસે છે પરિણામે ઝાડનો વિકાસ રૂંધાય છે.
પીળા ચીકણા પિંજરનો ઉપયોગ કરવો. સફેદ માંખીના નિયંત્રણમાં દર્શાવ્યા મુજબના પગલા લેવા.
ફળમાંથી રસ ચુસતું ફૂદું: આ જીવાતના ફૂદા મોટા કદના, નારંગી અને બદામી રંગના શરીરવાળા હોય છે. આગળની પાંખો ઘાટી ભૂખરી અને લીલા ડાઘવાળી તેમજ સફેદ લાઈનોવાળી હોય છે. જયારે પાછલી પાંખો નારંગી અને બીજના ચંદ્ર જેવા કાળા તેમજ સફેદ ટપકાવાળી હોય છે. ફૂદા લીંબુના ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળા ભાગેથી જીવાણું અને ફૂગ દાખલ થવાથી ફળ કોહવાયને ખરી પડે છે. આ જીવાત જુલાઈ થી ઓક્ટોબર દરમિયાન વધુ સક્રિય હોય છે. તેની ઈયળ ઘાટા બદામી રંગના શરીરવાળી હોય છે. કપાસના કુમળા જીંડવા અને ફળોને પણ નુકસાન કરતા જોવા મળે છે.
આ જીવાતની ઈયળ શેઢા પરના વેલા ઉપર નભતી હોવાથી આવા યજમાન છોડનો નાશ કરવો. ફળને કાગળની કોથળી ચડાવવી અને પ્રકાશપિંજર ગોઠવવા. સાંજના સમયે લીંબુના બગીચામાં ધુમાડો કરવો. ફળનો રસ ૧૨ મિ.લિ., ૨૦ મિ.લિ. મેલાથીઓન ૫૦ ઇસી ૫૦૦ મિ.લિ. જથ્થો એક પહોળા મુખ ધરાવતા પાત્રમાં લઇ ૧૦ ઝાડ દીઠ મુકવી.
કથીરી: આ બિનકીટકીય જીવાતને નરી આંખે જોઈ શકાતી નથી. તે લીંબુના પાન, લીલી કુમળી ડાળીઓ નાના ફળ તથા પરિપક્વ ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. ઓછો ઉપદ્રવ હોય તો પાનના ડીટ બાજુએ નુકસાનના ચિન્હો જણાય છે. આ જીવાતના બચ્ચા તેમજ પુખ્ત રસ ચુસતા હોવાના લીધે પાન તથા ફળ ઉપર ચાંદી જેવા સફેદ રંગના ટપકા જોવા મળે છે. જયારે ભારે ઉપદ્રવમાં ઝાડના તમામ ભાગો ઉપર ચાંદી જેવા ધાબા જોવા મળે છે. ઘણી વખત ઝાડ સુકાઈ પણ જાય છે. સુકું વાતાવરણ આ જીવાતનો ઉપદ્રવ વધારે છે.
સુકા વાતાવરણના સમયે પિયતની ખેંચ ના પડે તેની ખાસ કાળજી રાખવી. લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ., ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ૧૦ લિટર પાણીનું મિશ્રણ બનાવી છંટકાવ કરવો. કોઈપણ એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરીને લીંબુના ઝાડ યોગ્ય રીતે ભીંજાય તેમ છંટકાવ કરવો.
થ્રીપ્સ: પુખ્ત કીટક કદમાં નાનું એકાદ મી.મી. લાંબુ સાંકડી પાખોવાળું તેમજ પાંખની ધાર પર રુંવાટી જોવા મળે છે. બચ્ચા અને પુખ્ત કીટક કુમળા પાન, કળી, ફૂલની કળીઓ અને નાના
વૃદ્ધિ પામતા ફળો પર મુખંગ દ્વારા ઘસરકા પાડી તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકસાન કરે છે તેના કારણે પાન પ્યાલા આકારના અને સખત બની જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન અને ફળ ઉપર પડવાને લીધે ભૂખરા બદામી ધાબા જોવા મળે છે. ફળોની ગુણવત્તા પર માઠી અસર પડે છે. વનસ્પતિજન્ય કીટનાશક જેવા કે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધરિત કીટનાશક ૩૦ મિ.લિ. અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ૩૦ ઇસી કીટનાશક ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.