શહેરમાં પીસીબીએ એક જ દિવસે ઘાટલોડિયા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે અલગ-અલગ દરોડા પાડી વિદેશી દારૂના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.પીસીબીએ દારૂ ભરેલી બે ફોર્ચ્યુનર અને એક ક્રેટા કાર સહિત પાયલોટિંગ કરતી કાર ઝડપી પાડી કુલ અંદાજે રૂ. ૭૩.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબીની ટીમે ઘાટલોડિયા વિસ્તારમાં ચાંદલોડિયા સિનિયર સિટિઝન પાર્ક સામે દેશાવલી સોસાયટી નજીક એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી દરોડો પાડી ૧૨૫૩ બોટલ અને બીયર ટીન સહિત રૂ. ૪.૬૩ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ક્રેટા કાર, ફોર્ચ્યુનર કાર, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૭.૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહઆલમથી કાંકરિયા જવાના રોડ પર એપલ સિનેમા નજીક પીસીબીએ અન્ય એક કાર્યવાહી દરમિયાન ૨૧૫૨ બોટલ વિદેશી દારૂ સાથે ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી હતી. આ કેસમાં કુલ રૂ. ૩૫.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે દારૂનો જથ્થો મહેસાણા જિલ્લાના કડી વિસ્તારથી અમદાવાદમાં સપ્લાય કરવામાં આવતો હતો.પીસીબીએ દરોડા દરમિયાન દારૂ ભરેલી બે કાર ઉપરાંત પાયલોટિંગ કરતી એક કાર પણ ઝડપી પાડી હતી, જેના આધારે સમગ્ર સપ્લાય ચેઇન અને નેટવર્ક અંગે મહત્વની કડીઓ હાથ લાગી છે. ઘાટલોડિયા કેસમાં સાજીદ અબ્દુલ રહેમાન વોરા, ફિરોજ અનવર મલેક અને લિસ્ટેડ બુટલેગર સલીમ ઉર્ફે તોતોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાગડાપીઠ કેસમાં મહંમદ સાકીર ફરીદમિયા પીરજાદાની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સલીમ ઉર્ફે તોતો આ સમગ્ર રેકેટનો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. બંને કેસમાં કડીના અમીરમિયા સૈયદ અને ધર્મેશ ઉર્ફે ધમો રાજપૂત સહિત કુલ ૧૨થી વધુ વોન્ટેડ આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પીસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કડીથી અમદાવાદ સુધી ચાલતા દારૂ સપ્લાય રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસ હવે જથ્થો સપ્લાય કરનારા, પરિવહન કરનારા તેમજ શહેરમાં દારૂના વિતરણ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.