ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ક્રાઇમબ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૧૯૮ બાંગ્લાદેશીઓ તેમજ અન્ય શહેરોથી ઝડપાયેલા બાગ્લાદેશીઓ મળીને કુલ ૨૧૦ બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ડિપોર્ટ કરવાની પરવાનગી મળતા આગામી પાંચ દિવસમાં તેમને બાંગ્લાદેશ-ભારત બોર્ડર લઇ તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. આ માટે ક્રાઇમબ્રાંચ તમામને બોર્ડર સુધી ટ્રેનમાં લઇ જશે.
નોંધનીય છે કે, જ્યારે કોઈ વિદેશી નાગરિક ઝડપાય ત્યારે તેને ડિપોર્ટ કરવામાં બે મહિના જેટલો સમય લાગી જતો હોય છે. તેના બદલે ગુજરાત પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીએ ખૂબ ટૂંકાગાળામાં જરુરી તપાસ પૂર્ણ કરી જે ૨૧૦ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે તેઓને ડિપોર્ટ કરવાનો નિર્ણય કરાયો છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે ચંડોળા તળાવની આસપાસમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે કરેલા સૌથી મોટા ઓપરેશનમાં ૮૯૦ શંકાસ્પદ લોકો ઝડપાયા હતા. જેમાં ૧૯૮ લોકો બાંગ્લાદેશી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં મળી હતી. જ્યારે અન્ય લોકો પાસેથી શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હતા. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ૧૯૮ ઉપરાંત, અન્ય અમદાવાદના અન્ય વિસ્તારમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓ સહિત કુલ ૨૧૦ બાંગ્લાદેશીઓની યાદી બનાવીને તમામને ડીપોર્ટ કરવા માટે ક્રાઇમબ્રાંચે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી.
જેની મંજૂરી મળતા આગામી પાંચ દિવસમાં તમામને ટ્રેન મારફતે ભારત-બાંગ્લાદેશ બોર્ડર મોકલીને સેનાને હવાલે કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.સામાન્ય રીતે કોઈ શંકાસ્પદ વિદેશી નાગરિક ઝડપાય ત્યારે તેને ડિપોર્ટ કરવામાં બે મહિના જેટલો સમય લાગી જતો હોય છે. પરંતુ, ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના શહેરોમાંથી મળી આવેલા ૨૧૦ જેટલા બાંગ્લાદેશીઓની ઓળખ કરી પાંચ જ દિવસમાં તેને તેના દેશમાં ડિપોર્ટ કરવાનો નિર્ણય કરાયો છે. જે ભારતના ઈતિહાસમાં ડિપોર્ટની સૌથી ઝડપી કાર્યવાહી છે.
પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારોમાં બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી જ ૧૯૦, જ્યારે સોલામાંથી ૬ અને ઓઢવામાંથી ૨ મળી કુલ ૧૯૮ મળ્યા છે. જ્યારે માર્ચ મહિનામાં પણ ૧૨ બાંગ્લાદેશી પકડાયા હતા. આ પહેલાં ૨૦૦૯માં ચંડોળા વિસ્તારમાંથી ૯૫ જેટલા બાંગ્લાદેશીને ઝડપવામાં આવ્યા હતા. અહીં બાંગ્લાદેશીઓને આશરો દેવામાં જેનો હાથ હતો તે લલ્લુ બિહારીને પણ ઝડપવામાં સફળતા મળી છે.ફેઝ-૧ની કામગીરી પૂર્ણ, બીજા ફેઝની કામગીરી હવે થશે
વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હાલ ચંડોળા વિસ્તારમાં ફેઝ-૧ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના વગર ડિમોલિશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજા ફેઝના ડિમોલિશન માટે ચર્ચા ચાલે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કરશે એમાં પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવશે. કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. સુપ્રીમ કોર્ટને આદેશ છે કે કોઈપણ તળાવ પર દબાણ થઈ શકશે નહીં.આઇબી હાલ તપાસ કરી રહી છે, જેનો રિપોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારને અપાશે. ત્યાર બાદ જે લોકો ઝડપાયા છે, તેના ડિપોર્ટની કાર્યવાહી કરાશે.
ચંડોળા વિસ્તારામાં પ્રથમ ફેઝની ડિમોલિશન કામગીરી મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહ્યું હતું કે અત્યારસુધીમાં ચાર હજાર ગેરકાયદે મકાનો દૂર કરાયાં છે અને દોઢ લાખ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જે વિસ્તાર ખુલ્લો કરાયો છે એમાં તળાવનું પાણી ભરાશે. જે જગ્યા પર ટોરન્ટનાં કનેક્શન હતાં એની પણ તપાસ કરાશે.ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ઉભુ કરી બાંગ્લાદેશી નાગરિકોની મદદ કરનારા લલ્લા બિહારીને આજે (૩ મે, ૨૦૨૫) ક્રાઈમ બ્રાન્ચે ભદ્ર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં ૧૪ દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. બંને વકીલોની દલીલોના અંતે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
ગેરકાયદે ભારતમાં પ્રવેશતા બાંગ્લાદેશીઓને લલ્લા બિહારી આસરાથી લઈને ધંધા સુધીનું પેકેજ આપતો હતો.દીકરાને ૫ દિવસના રિમાન્ડ અપાયા, આ મુખ્ય આરોપી છે મહત્તમ રિમાન્ડ અપાય’સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે આરોપી ગેરકાયદે બાંધકામ કરી બાંગ્લાદેશીઓને ભાડે આપતો, આ કોણ બનાવતું, આના દસ્તાવેજ કોણ બનાવતું, કેટલું ભાડું વસૂલવામાં આવતું, આ પૈસા ક્યા ક્યા રોક્યા, બાંગ્લાદેશીઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંકળાયેલા હતા કે કેમ, બાંગ્લાદેશીઓને કયા એજન્ટોએ કાગળિયા બનાવી આપ્યા આ સહિતના સવાલોની તપાસ આરોપીને સાથે રાખીને કરવાની છે.