રાજધાની દિલ્હીમાં પૂરનો ખતરો સતત વધી રહ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારો આ સમયે યમુના નદીમાં આવેલ પૂરમાં ડૂબી ગયા છે અને એ કારણે રસ્તાઓ પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. યમુનામાં પાણીનું જળસ્તર વધવાને કારણે ગુરુવારે દિલ્હી સચિવાલયમાં પાણી ભરાય ગયા છે જ્યાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેમના મંત્રીમંડળનું નિવાસસ્થાન-ઓફિસ છે. જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને દિલ્હી સચિવાલયમાં પાણી ભરાવાની માહિતી મળી છે. તેમણે કહ્યું કે તેઓ પરિસ્થિતિને લઈને ટ્રાફિક પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી રહ્યા છે. રાજઘાટથી દિલ્હી સચિવાલય તરફ જતો માર્ગ પણ પાણી ભરાઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, કાશ્મીરી ગેટ અને ઓલ્ડ આયર્ન બ્રિજ વચ્ચેનો રિંગરોડ પાણી ભરાઈ ગયો હતો અને ત્યાં રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
એક ટિવટમાં કેજરીવાલે અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “દિલ્હીના વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ રહ્યું છે ત્યાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે.” દિલ્હીના જે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. અરવિંદ કેજરીવાલે આ વાત કહી છે. જણાવી દઈએ કે દિલ્હીના મોટા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એમસીડીએ પણ તેની શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કર્યું છે કે યમુના, વજીરાબાદ, ચંદ્રવાલ અને ઓખલામાં પાણીના સ્તરમાં વધારો થવાને કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે. જેના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાશે. જેમ જેમ યમુનાનું પાણી ઓછું થશે, અમે તેને શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવાનો પ્રયાસ કરીશું. જળ સંકટને કારણે સમસ્યાઓને ઓછી કરવા માટે, સીએમ કેજરીવાલ પોતે આજે સવારે ૧૧ વાગે વજીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહોંચ્યા અને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે લોકોને ૧-૨ દિવસ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
મહેસૂલ મંત્રી આતિશીએ કહ્યું કે, દિલ્હી સરકારે પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે ૫૦ બોટની વ્યવસ્થા કરી છે. તેમણે જણાવ્યું કે પલ્લાથી ઓખલા બેરેજ સુધી નદીના દરેક વિભાગ પર બે કિલોમીટરના અંતરે બોટ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા જણાવ્યું છે. એ પણ કહ્યું કે લોકોએ વીજ લાઈનોથી દૂર રહેવું જાઈએ અને કોઈપણ જરૂરિયાત માટે હેલ્પલાઈન નંબર ૧૦૭૭ પર સંપર્ક કરવો જોઈએ.
યમુનાનું જળસ્તર વધવાને કારણે ડૂબ વિસ્તારના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. તેથી અહીં રહેતા હજારો લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મજનુ કા ટીલા અને વજીરાબાદ વચ્ચેના પટ સહિત રીંગ રોડના કેટલાક ભાગોમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘર ખાલી કરીને ત્યાં રહેવા વિનંતી કરી છે. આ તરફ આઇએમડીએ આગામી ૨ દિવસમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, હું નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને બહાર જવાની વિનંતી કરું છું કારણ કે પાણીનું સ્તર અચાનક વધી જશે અને તમારા જીવને જોખમ થઈ શકે છે. કેજરીવાલે યમુનાનું સ્તર વધુ ન વધે તેની ખાતરી કરવા માટે કેન્દ્રને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં, તેમણે વિનંતી કરી કે, જો શક્ય હોય તો હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી મર્યાદિત દરે પાણી છોડો. તેમણે કહ્યું કે, દેશની રાજધાનીમાં પૂરના સમાચારથી દુનિયામાં સારો સંદેશ નહીં જાય. આપણે સાથે મળીને દિલ્હીના લોકોને આ પરિસ્થિતિમાંથી બચાવવાના છે.
દિલ્હીના બાદરપુર વિધાનસભા ક્ષેત્રના જેતપુર પાર્ટ-૨ની વિશ્વકર્મા કોલોનીમાં પાણી સતત વધી રહ્યું છે. જેના કારણે અહીં રહેતા લોકોને શાળા, મંદિર અને મદરેસામાં ખસેડવામાં આવી રહ્યા છે. પાણી વધવાથી લગભગ ૫૦૦૦ લોકો પ્રભાવિત થયા છે. તમને જણાવી દઈએ કે વિશ્વકર્મા કોલોનીમાં બુધવારે સવારથી પાણી વધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી જે સતત ચાલુ છે. સ્થાનિક ધારાસભ્ય અજય મહાવરે જણાવ્યું કે, ઉત્તરપૂર્વ દિલ્હીના ગઢી મેંડુ અને ઉસ્માનપુર ગામમાં પૂરનું પાણી ચાર ફૂટથી વધુ વધી ગયું છે. અહીં રહેતા લોકોને પહેલાથી જ સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. આ સાથે સવારે ૪ વાગ્યાની આસપાસ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ તરફ મજનુ કા ટીલા અને કાશ્મીરી ગેટ સહિત ઘણા વિસ્તારોમાં પૂરના પાણી રિંગરોડ સુધી
પહોંચી ગયા હતા. યમુના કિનારે આવેલ ગ્રીન બેલ્ટ પાણીથી ભરાઈ ગયો હતો. દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગે પૂરના પાણીને રિંગરોડમાં પ્રવેશતા અટકાવવા માટે રેતીની થેલીઓ મૂકી છે.
જણાવી દઈએ કે દિલ્હીમાં યમુનાનું રેકોર્ડ જળસ્તર અગાઉ ૧૯૭૮માં ૨૦૭.૪૯ મીટર હતું, આ રેકોર્ડ બુધવારે જ તૂટી ગયો હતો. હવે ગુરુવારે આ આંકડો ૨૦૮.૪૧ મીટરે પહોંચી ગયો છે, એટલે કે અગાઉના રેકોર્ડ કરતાં લગભગ એક મીટર ઉપર પાણી વહી રહ્યું છે, જેના કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે.