રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ યાદવના નજીકના ધારાસભ્ય આલોક મહેતાના ઘરે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડી એ વહેલી સવારે પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા છે. ઈડીએ ધારાસભ્યના ૧૬ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ દરોડા કરોડોના વ્યવહારના કેસમાં પાડવામાં આવ્યા છે. બિહારની સાથે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
ઈડીએ પટના સહિત ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં એક સાથે ૧૬ સ્થળોએ દરોડા પાડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈડી દ્વારા આ કાર્યવાહી બેંક લોન કૌભાંડ સંબંધિત કેસના સંદર્ભમાં કરવામાં આવી છે.
આ સમગ્ર મામલો વૈશાલી સહકારી બેંક સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. જેમાં કરોડો રૂપિયાના વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા નાણાકીય અનિયમિતતા અને છેતરપિંડીના આરોપ હેઠળ પાડવામાં આવ્યા છે.
આલોક મહેતાની ગણતરી રાષ્ટ્રીય જનતા દળના અગ્રણી નેતાઓમાં થાય છે. તેમની ગણતરી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના ખૂબ જ નજીકના નેતાઓમાં થાય છે. તેમના પિતા તુલસી પ્રસાદ મહેતા પણ લાલુ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. બિહારમાં જ્યારે પણ મહાગઠબંધનની સરકાર બની છે. આલોક મહેતા સમયાંતરે મંત્રી બન્યા છે. આ ઉપરાંત, તેમણે પાર્ટીમાં ઘણા મહત્વપૂર્ણ પદો પણ સંભાળ્યા છે.
આલોક મહેતા ઉજીયારપુર લોકસભા મતવિસ્તારથી આરજેડીના સાંસદ પણ રહી ચૂક્યા છે. આલોક મહેતાની ગણતરી રાજ્યના અનુભવી રાજકારણી તરીકે થાય છે. ઈડીની ટીમ પટનામાં મહેતાના સરકારી નિવાસસ્થાન પર પણ દરોડા પાડી રહી છે. ત્યાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. મહેતા મહાગઠબંધન સરકારમાં મહેસૂલ અને જમીન સુધારણા વિભાગના મંત્રી હતા. ટીમ હાલમાં મહેતાની પૂછપરછ કરી રહી છે અને દસ્તાવેજાની તપાસ કરી રહી છે. આ દરોડા બાદ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે.