અમરેલી તાલુકાના લાલાવદર ગામે શનિવાર, ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ સમસ્ત કડવા પાટીદાર સમાજના સહયોગથી નિર્માણ પામનાર અદ્યતન સમાજ ભવનનો ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરશોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પવિત્ર કાર્ય સંપન્ન થયું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ગોરધનભાઈ સુરાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અગ્રણી કુરજીભાઈ માતરીયાએ વિગત આપતા જણાવ્યું કે આ ભવન આશરે ૨.૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. આ તકે મુખ્ય દાતા દિનેશભાઈ માતરીયા અને અન્ય દાતાઓ દ્વારા રૂપાલાનું સન્માન કરાયું હતું. પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર, અશ્વિનભાઈ સાવલીયા અને ચેતનભાઈ ધાનાણી સહિતના મહાનુભાવોએ આ ભવનને સમાજની એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. પરશોતમભાઈ રૂપાલાએ પોતાના પ્રેરક સંબોધનમાં વતનનું ઋણ સ્વીકારવા પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજના દરેક ઘરને રોજનો ૧ રૂપિયો બચાવી સમાજ ઉત્થાનમાં આપવા તેમજ સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડી વ્યસનમુક્તિ અને સંયુક્ત કુટુંબ પ્રથાના મૂલ્યો જાળવવા હાકલ કરી હતી. કાર્યક્રમના અંતે પ્રમુખ બાલુભાઈ માતરીયાએ આભારવિધિ કરી હતી. ધર્મેશભાઈ આખજા અને તેમની ટીમ દ્વારા સફળ સંચાલન સાથે આયોજનને આખરી ઓપ અપાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.









































