લાઠીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળવામાં આવ્યું હતું. પરશુરામ જયંતી નિમિત્તે મૃતકોને બ્રાહ્મણો દ્વારા એકાદશીનું પુણ્ય આપવા વિનંતી તથા આહ્‌વાન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસમાજ સભાનું પ્રમુખ સ્થાન ડો. મુકેશભાઈ આર. ત્રિવેદીએ શોભાવ્યું હતું. જનકભાઈ શર્મા, અરુણદાદા શુક્લ, આર.સી. દવે, સંગીત બાલિભાઈ (નિલેશભાઇ)પંડ્‌યા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાઠીના પ્રખ્યાત કથાકાર જનકભાઈ શર્માએ પોતે સરળ શૈલીમાં ઉદ્‌બોધન કરીને આ પ્રસંગને બિરદાવતા બ્રહ્મસમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. “જય જય પરશુરામ”ના નાદ સાથે જયંતીની ઉજવણી પૂર્ણ કરાયેલ હતી.