અમરેલીમાં યુવાધન દારૂના ખપ્પરમાં હોમાઈ ગયું હોય તેમ કિશોરો પણ સક્રિય થયા છે. લાઠી શહેરમાં બસ સ્ટેન્ડ પાસેથી એક કિશોર ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની છ બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે ૨૨૫૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ કબજે કર્યો હતો, કિશોરે આ બોટલો ભાવનગરના યુવક પાસેથી ખરીદી હોવાની કબૂલાત કરી હતી. વાવેરા ગામેથી ૩૦ લીટર સહિત જિલ્લામાંથી કુલ સાત લોકો પાસેથી ૪૫ લીટર દેશી દારૂ રેઇડ દરમિયાન મળ્યો હતો. અમદાવાદના ચાર, આણંદના ચાર સહિત જિલ્લામાંથી કુલ ૭૯ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં પકડાયા હતા. જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા, ચલાલા, છતડીયા, ધારી, દામનગર, ધામેલ, વિકટર, લાઠી, બલાણા, સરકારી પીપળવા, ટોડા, રોહિસા, ખાંભા ટી પોઇન્ટ, વંડા, શેલણા, ટીંબી ચેક પોસ્ટ, અમરાપરા, બાબરા, રાજુલા, લીલીયા, અમરેલી સહિતની જગ્યાએથી શરાબીઓને પકડીને કાર્યવાહી કરી હતી.