લાઠી પંથકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને હેરાન ગતિ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર સગીરાને લગ્નની લાલચ આપી, ફોસલાવી અને ત્યારબાદ ધમકીઓ આપી તેના દસ્તાવેજો મેળવી લેનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતાએ ભીંગરાડ ગામના અલફાજ કાદરભાઇ સૈયદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સગીરા છેલ્લા એકાદ વર્ષથી આરોપીના સંપર્કમાં હતી. આરોપીએ સગીરાનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક સાધ્યો હતો. આરોપીએ સગીરા સાથે લગ્ન કરવાના ઇરાદે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અવાર-નવાર મેસેજ અને વાતચીત કરી તેને લલચાવી-ફોસલાવી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને ડરાવી-ધમકાવી અને હેરાન પરેશાન કરી યેનકેન પ્રકારે તેના અંગત દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) મેળવી લીધા હતા. આ બાબતે સગીરાના પરિવારને જાણ થતા તેઓએ લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે સગીર વયની બાળકીઓને નિશાન બનાવતા તત્વો સામે આ કાર્યવાહીથી ચકચાર મચી ગઈ હતી.









































