અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં જળસંચયની દિશામાં એક મોટું પગલું લેવામાં આવ્યું છે. લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે, ધામેલથી સુવાગઢ ગામોની જીવાદોરી સમાન રંઘોળી નદીને પહોળી તેમજ ઊંડી ઉતારવા માટે રાજ્ય સરકારે રૂ. ૫.૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયથી સમગ્ર પંથકના ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ છે અને આ પહેલને ‘જળક્રાંતિ’ તરીકે ગણાવવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના ખેડૂતો ચોમાસામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે નદીને ઊંડી અને પહોળી કરવાની માંગ કરી રહ્યા હતા, જેથી ઉનાળામાં પાણીની સમસ્યા હળવી થઈ શકે. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આ પ્રશ્નને સરકાર સમક્ષ જોરદાર રીતે રજૂ કર્યો હતો. રૂ. ૫.૫ કરોડના ખર્ચે થનારા આ કામથી નદીની જળસંગ્રહ ક્ષમતામાં અનેકગણો વધારો થશે. આનાથી માત્ર સિંચાઈ માટે જ નહીં, પરંતુ ભૂગર્ભજળ સ્તરને ઊંચું લાવવામાં પણ મદદ મળશે. ધારાસભ્યે જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા ખેડૂતોની સુખાકારી છે. નદી ઊંડી અને પહોળી થવાથી આ વિસ્તારના હજારો ખેડૂતોને સીધો લાભ થશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થશે.” તેમણે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટથી લાઠીના ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે અને લાઠી-બાબરાના છેવાડાના ગામો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા તેઓ સતત પ્રયત્નશીલ છે.