અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં જળસંચયની દિશામાં ઐતિહાસિક પગલું ભરાયું છે. લાઠીના માલવીયા પીપરીયા, મતીરાળા અને કૃષ્ણગઢ ગામોની જીવાદોરી સમાન નદીને પહોળી તથા ઊંડી ઉતારવા માટે સરકારે રૂ. ૧૫ કરોડ ૬૬ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આ પ્રોજેક્ટની માંગ કરી રહ્યા હતા, જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને ઉનાળામાં પાણીની તંગી દૂર થાય. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સતત પ્રયત્નો અને અનુસંધાન બાદ આ મહત્વપૂર્ણ મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નદીની જળસંગ્રહ ક્ષમતા અનેકગણી વધશે અને ભૂગર્ભજળ સ્તર પણ સુધરશે. સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે અને વિસ્તારના હજારો ખેડૂતોને સીધો લાભ મળશે. ધારાસભ્ય તળાવીયાએ જણાવ્યું કે, “ખેડૂતોની સુખાકારી અમારું ધ્યેય છે, આ પ્રોજેક્ટ લાઠી પંથકને જળક્રાંતિના માર્ગે અગ્રેસર બનાવશે.”








































