અમરેલી SOG ટીમે લાઠી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં કાર્યવાહી કરી બે ડેરી પ્રોડક્ટની દુકાનોમાંથી કુલ ૧૯ કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સુચના અને માર્ગદર્શન હેઠળ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તેમજ શંકાસ્પદ દૂધજન્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળેલી બાતમીના આધારે SOG ટીમે ફૂડ એન્ડ સેફ્‌ટી ઓફિસર સાથે લાઠીની ચામુંડા કોલ્ડ્રિંક્સ ડેરી ફાર્મ એન્ડ કેક શોપ સહિત બે દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને દુકાનોમાંથી ૧૯ કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. આ મામલે મુકેશભાઈ વલ્લભભાઈ મકવાણા અને કેશુભાઈ વલ્લભભાઈ મકવાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.