અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા તમામ ખેતી પાકને નુકસાનનું વળતર ચૂકવવા અને ખેડૂતોના દેવા માફ કરવા અંગે કોંગ્રેસ દ્વારા જિલ્લામાં પ્રતીક ધરણા કરવામાં આવી રહ્યા હોય, ત્યારે શુક્રવારે લાઠી મુકામે મામલતદાર ઓફિસ સામે, દેવા માફી અને નુકસાનના વળતરની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા યોજ્યા હતા. આ પ્રસંગે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમરેલી જિલ્લા મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર તથા લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગોયાણી, નાનુભાઈ લાડોલા તથા મહેશભાઈ બોરીચાએ હાજરી આપેલ હતી. આ ધરણા કાર્યક્રમ પૂરો થતાં કોંગ્રેસના દરેક કાર્યકરો, ખેડૂતો સાથે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપેલ હતું. આ તકે પરેશભાઈ ધાનાણીએ ખેતી બચાવો સત્યાગ્રહ માટે ખેડૂતોને ઉલ્લેખીને કહ્યું હતું કે સરકારે સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરવો, પાક નુકસાનનું વળતર આપવું અને સેટેલાઈટની માપણી રદ્દ કરવી, ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવું જાઈએ. આ તમામ મુદ્દા અંગે લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતા.







































