રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ–૨૦૨૬ અંતર્ગત લાઠી-બાબરાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં દામનગરની એમ.સી. મહેતા હાઇસ્કૂલ, લાઠી શહેરની કલાપી હાઇસ્કૂલ અને બાબરાની કમળશી હાઇસ્કૂલ ખાતે નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાઓને રંગોળી, ફૂલહાર અને શૈક્ષણિક વાતાવરણથી સજાવવામાં આવી હતી. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી, ફૂલ અર્પણ કરી તેમજ મીઠાઈથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિના જીવનનું સૌથી મોટું સશક્તિકરણ છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા જ સમાજ અને રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ, પાઠ્યપુસ્તકો તેમજ જરૂરી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાના નિયમો, અભ્યાસક્રમ અને વિવિધ સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








































