લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે બાઇક ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મોટરસાઇકલ ધીમી ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે એક વ્યક્તિ પર ધારિયા અને લાકડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.કાળુભાઇ આલાભાઇ મેવાડાએ (ઉ.વ. ૪૫) પ્રકાશભાઇ દેવજીભાઇ મેવાડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે આરોપીને રસ્તા પર પોતાની મોટરસાઇકલ ધીમી ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ વાત આરોપીને ન ગમતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. ઉશ્કેરાટમાં આવી આરોપીએ તેમના પર ધારિયા વડે હુમલો કરી કાનના ભાગે એક જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. આ હુમલાને કારણે તેમને કાનના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં પાંચ જેટલા ટાંકા લેવા પડ્‌યા હતા.
આટલેથી ન અટકતા, આરોપીએ લાકડાના બડિયા વડે તેમને વાંસાના ભાગે આડેધડ ઘા મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
સામે પક્ષે પ્રકાશભાઇ દેવજીભાઇ મેવાડાએ (ઉ.વ. ૩૧) પણ કાળુભાઇ આલાભાઇ મેવાડા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, તેઓ જ્યારે કાળુભાઈના ઘર પાસે મોટરસાઇકલ મૂકવા ગયા હતા, ત્યારે કાળુભાઈએ ગાળો આપી તેમની સાથે તકરાર કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી મોઢાના તથા ડાબા પગના એડીના ભાગે મુંઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડોડીયા બંને કેસની વધુ તપાસ કરી રહ્યા છે.