અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે જમીનના ડખ્ખામાં એક વૃદ્ધે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. જમીન વિવાદમાં કોઈ નિવેડો ન આવતા કંટાળીને ૭૦ વર્ષીય વૃદ્ધે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શેખપીપરીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા ૭૦ વર્ષીય ગોરધનભાઇ મનજીભાઇ ભાદાણીને તેમની બાજુની વાડી ધરાવતા શખ્સ સાથે લાંબા સમયથી જમીન બાબતે તકરાર ચાલતી હતી. આ જમીન વિવાદને ઉકેલવા માટેના પ્રયાસો છતાં કોઈ નક્કર નિરાકરણ કે શાંતિપૂર્ણ સમાધાન આવતું નહોતું. લાગી આવતા ભર્યું અંતિમ પગલું લીધુ હતુ. જમીનના પ્રશ્ને વારંવાર થતી ટકટક અને વિવાદનો અંત ન આવતા ગોરધનભાઇ માનસિક રીતે ભાંગી પડ્‌યા હતા. આ બાબતે તેમને મનમાં લાગી આવતા, તેમણે પોતાની વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્‌યા હતા. આ મામલે લાઠી પોલીસે નોંધ કરી જમીન વિવાદના કારણો અને સામે પક્ષે કોઈ દબાણ હતું કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલાના આંબરડી ગામે વાડીએ રહેતા સુભાષભાઇ નરસિંગભાઇ મકવાણા અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હોવાનું નરસિંગભાઇ રૂપસિંગભાઇ મકવાણાએ જાહેર કર્યું હતું.