લાઠી તાલુકાના લુવારીયા ગામમાં સરપંચ પુત્ર પર સિંહે હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતા વનખાતાએ આળસ ખંખેરી છે. અરદીપ જસકુભાઈ ખુમાણને ફાડી ખાધા બાદ આ પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. સિંહે જ આ હુમલો કર્યો હોવાની પ્રાથમિક વિગતો બાદ પણ વનખાતું જવાબદારીની ફેંકાફેંકી કરતું જાવા મળ્યું હતું. જા કે હવે લાઠીના લુવારીયા ગામ નજીક સિંહ દ્વારા થયેલા માનવમૃત્યુ બાદ તટસ્થ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ ડિવિઝનના એસીએફના નેતૃત્વ હેઠળ એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ગીર પૂર્વ, અમરેલી સોશિયલ ફોરેસ્ટ્રી (SF) અને શેત્રુંજી વન્યજીવન વિભાગના સ્થાનિક આરએફઓનો સમાવેશ થાય છે. આ ટીમે પોલીસ સાથે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટનું વિશ્લેષણ કરવામાં આવશે. એસીએફ અને તેમની ટીમ દ્વારા લુવારીયા વીડી ખાતે ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.પોલીસને આપવામાં આવેલા નિવેદનો સહિત ઘટના સંબંધિત તમામ વ્યક્તિઓના અભિપ્રાયો લેવામાં આવશે. છેલ્લા ૪૮ કલાકમાં સિંહ જૂથ ક્યાં હતું તેની માહિતી મેળવવામાં આવશે. જો ઉપલબ્ધ હોય તો, સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે. પોલીસ દ્વારા કોલ ડિટેલ રેકોર્ડ સહિત અન્ય તકનીકી તપાસ પણ કરવામાં આવશે.