અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની રંજાડ દિન-પ્રતિદિન વધતી જાય છે. ભુતકાળમાં સિંહ-દીપડાએ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે ત્યારે લાઠી તાલુકાના લુવારીયા ગામે એક ર૧ વર્ષીય યુવકને વન્યપ્રાણીએ ફાડી ખાધો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ફફડાટ ફેલાયો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ લાઠી તાલુકાના લુવારીયા ગામે રહેતા આરદિપભાઈ ખુમાણ નામના યુવક પોતાના ત્રણ મિત્રો સાથે બાપા સીતારામ ચોકમાં બેઠા હતા ત્યારે આરદિપભાઈ શૌચાલય કરવા માટે શાળાની પાછળ ગયા હતા જા કે ૩૦ મીનીટ સુધી પરત ન આવતા તેમના મિત્રોએ તપાસ કરતા આરદિપભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં જાવા મળ્યા હતા. જેથી તાત્કાલીક તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોએ આરદિપભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં અમરેલી સારવાર માટે ખસેડયા હતા જા કે સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા ઈજા કરનાર કોઈ વન્યપ્રાણી સિંહ જ છે કે કેમ? તે માટે આરએફઓ જયોતિબેન વાજા લુવારીયા ગામે દોડી ગયા હતા અને યુવકના પરિવારજનો અને તેના મિત્રોના નિવેદન નોંધ્યા હતા. પ્રાથમિક તબક્કે સિંહે જ યુવકને ફાડી ખાધો હોવાની ચર્ચાઓ થઈ રહી છે જા કે સાચુ કારણ તો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. યુવકના મોતથી સમગ્ર પંથકમાં ફફડાટનો માહોલ છવાયો છે.