લાઠી તાલુકાના ભટ્ટવદર ગામે નજીવા પારિવારિક કારણોસર વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મોડી રાત્રે કપડા ધોવાની અને સૂકવવાની બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે ફરિયાદી મહિલા અને વચ્ચે બચાવવા પડેલા સાહેદ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે દિલીપભાઇ બાવજીભાઇ સોલંકી (ઉ.વ.૨૯) એ હિતેશભાઇ નરશીભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, સાહેદ પાર્વતીબેન મોડી રાત્રે કપડા ધોઈને અગાસી ઉપર સૂકવવા ગયા હતા. આ વાત આરોપીને સારી ન લાગતાં તેણે ફરિયાદી અને સાહેદને ખરાબ ગાળો આપી હતી. ગાળાગાળી બાદ આરોપીએ તેમને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીના હાથમાં પહેરેલું કડું તેમના નીચેના હોઠ પર લાગી જતાં લોહી નીકળ્યું હતું. આ ઉપરાંત, આરોપીએ તેમને થાંભલાની સાથે દબાવી ભટકાવતા તેમને જમણી આંખે નેણના ઉપરના ભાગે મુંઢ ઈજા પહોંચી હતી. જ્યારે સાહેદ અરજણભાઈએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ બાજુમાં પડેલ લોખંડની પાઇપના કટકા વડે અરજણભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. આ હુમલાથી તેમને ચાર ટાંકા લેવા પડ્‌યા હતા. હુમલો કર્યા બાદ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.