લાઠી તાલુકાના બાઇ દુધાળા ગામે મહિલાના ઘરમાં પાડોશમાં રહેતા શખ્સે ગૃહપ્રવેશ કરી બળાત્કાર ગુજાર્યા બાદ ગઇકાલે મહિલાએ આબરૂ લૂંટનારનું નામ જાહેર કરતા ૪ શખ્સો દ્વારા હુમલો કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હુમલા અંગે મહિલાના પુત્રએ ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બળાત્કાર અંગે મહિલાએ પાડોશી શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તા. ૩ ના રોજ રાત્રે મહિલા પોતાના ઘરે મોટા અવાજથી બોલી રહી હતી કે, વિશાલે મારી આબરૂ લીધેલ છે. જે પાડોશમાં રહેતા વિશાલ ગોહીલ, પ્રદિપ ગોહીલ તથા નંદુબેન ગોહીલ નામના શખ્સો સાંભળી જતા ઘર બહાર આવી વિશાલે ગાળો બોલી લાકડા વડે માર માર્યો હતો. જ્યારે પ્રદીપે મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે નંદુબેને મહિલાના પતિને માર માર્યો હતો. ત્યારબાદ નંદુબેને તેમની આંખમાં ચટણી નાખી હતી અને વિશાલે લાકડા વડે માર માર્યો હતો. દરમિયાનમાં દિપક નામના શખ્સે મહિલાના પુત્રને પાવડા વડે માર માર્યો હતો. આ ઘટનામાં મહિલાના પતિને લોહીયાળ ઇજા થઇ હતી. વિશાલે મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાના પુત્રએ આ ફરિયાદ નોંધાવ્યા બાદ બપોરે મહિલાએ વિશાલ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૩૦-એપ્રિલના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે વિશાલે બળાત્કાર ગુજારી કોઇને વાત કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી.