લાઠી- બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સતત પ્રયત્નોથી નાના રાજકોટ ગામના જર્જરિત તળાવના સમારકામ માટે રાજ્ય સરકારે ૩૧.૨૮ લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વર્ષોથી અવ્યવસ્થિત હાલતમાં રહેલા આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ ન થવાને કારણે ભૂગર્ભજળનું સ્તર ઘટી રહ્યું હતું. હવે પાળાનું સમારકામ, ઊંડાઈ વધારવાની કામગીરી, ગેટ-રેલિંગ અને નવીનીકરણના કામ હાથ ધરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી પાણીનો સંગ્રહ વધશે, ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવશે, ખેડૂતોને ફાયદો થશે અને ગામની સુંદરતા સાથે પશુઓ માટે પણ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. મંજૂરી બદલ ધારાસભ્યએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.









































