લાઠી તાલુકાના કેરાળા ગામમાં અંદાજિત રૂ. ૮૪ લાખના ખર્ચે બનનારી નવી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તાજેતરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, બંને મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, આ શાળાના નવી મકાનથી વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળશે અને શિક્ષણનું સ્તર ઉંચુ આવશે. આ શાળામાં સારા ઓરડાઓ સાથે પ્રાર્થનાખંડ, આચાર્ય કક્ષ, શિક્ષક કક્ષ અને રમતગમતના મેદાન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવીન મકાનનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઇ ડેર, તાલુકા પંચાયતના ચેરમેન હિંમતભાઇ એવીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દકુભાઇ પડસાળા, જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ભુતૈયા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ, સરપંચ, પંચાયતના સભ્યો, ગ્રામજનો અને શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.







































