લાઠીના કરકોલીયા ગામે રહેતા એક ખેડૂતને દુઃખ-દર્દ, આર્થિક મુશ્કેલી દૂર થઈ જશે તેમ કહી વિશ્વાસમાં લીધા બાદ સોનાની વિંટી વિધિ કરવાના બહાને પડાવી લીધી હતી. બનાવ અંગે માયાભાઈ વાઘાભાઈ વરૂ (ઉ.વ.૪૮)એ સુરેન્દ્રનગરના થાન તાલુકાના સારસાણા ગામના નનુનાથ ઉર્ફે મુન્નાભાઈ ઝવેરનાથ સોલંકી તથા મોરબીના વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા વાદી વસાહતમાં રહેતા સુરજનાથ ઝવેરનાથ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની મોટર સાયકલ લઇને કરકોલીયા ગામથી ખાખરીયા ગામે તેના વેવાઈને ત્યાં જતા હોય ત્યારે ગળકોટડી ગામ પાસે પહોંચતા એક ફોરવ્હીલ ગાડીએ હોર્ન મારી ઉભો રખાવ્યો હતો. તેમાં રહેલા ડ્રાઇવર અને એક સાધુ બન્નેએ રસ્તામાં ક્યાંય શિવ મંદિર છે તે બાબતે વાતચીત કરી ગિરનારી સાધુ હોવાનું જણાવી તમારૂ દુઃખ-દર્દ, આર્થિક મુશ્કેલી દુર થઇ જશે તેવો વિશ્વાસ આપતા તેમણે સાધુને રૂ.૧૦ ની નોટ આપી હતી. જેથી સાધુએ રૂદ્રાક્ષનો પારો ૧૦ની નોટમાં વિંટાળી પરત આપી ત્યારબાદ આ સાધુએ તેનો મોબાઇલ ફોન માંગતા તેના પર રૂદ્રાક્ષના પારા જેવી વસ્તુ ફેરવી મોબાઇલ ફોન પરત આપ્યો હતો. તેમને વિશ્વાસમાં લઇ જમણા હાથની આગળીમાં પહેરેલ સોનાની વિંટી આશરે ૭ ગ્રામની કિં.રૂ.પ૮,૦૦૦ વિધિ કરવાના બહાને લઇને જતા રહ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.એ. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.