લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સઘન પ્રયાસોના ફળસ્વરૂપે લાઠી તાલુકાના ઇંગોરાળા અને લીલીયા તાલુકાના હરીપર ગામને જોડતા અગત્યના માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરના પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. આ સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. આથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂ. ૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ધારાસભ્ય તળાવીયાએ આ અંગે જણાવ્યું હતું કે, “લાંબા સમયથી આ રોડની સ્થિતિ ચિંતાજનક હતી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. રાજ્ય સરકારે આ રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક આટલી મોટી રકમ મંજૂર કરી છે, તે બદલ હું મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કરું છું. આ રોડનું કામ પૂર્ણ થવાથી ઇંગોરાળા, હરીપર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘણો ફાયદો થશે અને તેમનો સમય તથા શ્રમ બચશે.