લાઠીના અકાળા ગામમાં ધાર્મિક કાર્યક્રમના આયોજનને લઈને વિવાદ સામે આવ્યો હતો. સમસ્ત ગામ દ્વારા અમરદાસ બાપુના આશ્રમ સામે ચાલી રહેલી રામકથામાં આરોપીએ પ્રવેશ કરીને આયોજકોને ગાળો આપી હતી અને સમગ્ર મંડપનો ડોમ સળગાવી દેવાની ગંભીર ધમકી આપી
હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે હિતેષભાઈ કનુભાઈ રાખોલીયા (ઉ.વ.૩૮)એ વિપુલભાઈ રમેશભાઈ હેલૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર અકાળા ગામના લોકોએ એકસાથે મળીને અમરદાસ બાપુના આશ્રમની સામેના વિસ્તારમાં રામકથાના આયોજન માટે તૈયારીઓ કરી હતી.આ આયોજન માટે જમીન ભાડા પેટે લેવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર સાહેબની મંજૂરી પણ કાયદેસર રીતે મેળવવામાં આવી હતી. જોકે, આ સમગ્ર આયોજન આરોપીને ‘સારું નહી લાગતા’ તેણે વિરોધ દર્શાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીએ કથા સ્થળની સામે રોડ ઉપર આવીને ફરિયાદી અને સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી
હતી.મૌખિક બોલાચાલી બાદ આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને તેણે ગામના લોકોની આસ્થાને આઘાત પહોચાડતો હોય તેમ રામકથા માટે બનાવેલ મંડપનો ડોમ સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આયોજન કરનારાઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેણે આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ બનાવના પગલે ધાર્મિક કાર્યક્રમમાં અડચણ ઊભી થતાં ગામલોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.