લાઠી તાલુકાના અકાળા ગામે કૌટુંબિક અદાવત કે અન્ય કારણોસર એક મહિલા પર હુમલો થયાની ઘટના સામે આવી છે. વાડીએ પોતાના પતિને મળવા ગયેલી મહિલાને બે શખ્સોએ આંતરીને ગાળો આપી બેરહેમીથી માર મારતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે હાલ સુરતમાં રહેતી અલ્કાબેન વિપુલભાઇ હૈલેયાએ કીર્તીભાઇ રમેશભાઇ હૈલેયા તથા રમેશભાઇ હૈલેયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અકાળા ગામની સીમમાં તેઓ તેના પતિને મળવા માટે વાડીએ ગઈ હતી. આ બાબતની જાણ આરોપીઓને થતા, તેઓએ વાડીએ પહોંચી તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. બંને આરોપીઓએ તેને નિશાન બનાવી ગંદી ગાળો આપી હતી. ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ઢીકાપાટુનો માર મારતા તેને શરીરે મુંઢ ઈજાઓ પહોંચી હતી. આટલું જ નહીં, આરોપી ૧ દ્વારા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી પી ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.