ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્રે સુધારા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભાલવાવ ગામે રૂ. ૩૦ લાખના ખર્ચે નવનિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે આ નવા શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવનિર્મિત શાળા સંકુલમાં ત્રણ આધુનિક વર્ગખંડો ઉપરાંત ડિજિટલ શિક્ષણ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે બોલતા ધારાસભ્ય તળાવીયાએ જણાવ્યું કે, શિક્ષણ એ બાળકના ઘડતરનો પાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર બાળકોને શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ પૂરું પાડવા કટિબદ્ધ છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ ભીખાભાઈ ધોરાજીયા, નરેશભાઈ ડોંડા, ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી-કમ-મંત્રી, શાળાના આચાર્ય અને શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.