‘હે માનવ…,આમ મારામાં કંકડ ના ફેક.., હું તો લાગણીનો સમુદ્ર છું.’ પવનના વહેતા ઝોકા સાથે આ દેહ પણ એક દિન વહી જવાનો છે. આમ આપણા સંબંધોને પુર્ણવિરામ ના મુક.., હું તો સ્વયં મારા સબંધને અનંત સુધી લઈ જવાનો માર્ગ છું. આમ મારા-તારા વચ્ચેનો ભેદ ના સમજ. આખરે તારા-મારામાં હૃદયનો ધબકાર તો એક જ છે…., એક જ છે… આ શરીરનું રક્ત. અને એક જ છે બુદ્ધિ ની શક્તિ-ક્ષમતા. આ સમાનતાના વિશાળ ગગનમાં ચાલો લાગણીના તાંતણે.., સ્નેહના પવને અને મદદ ના સથવારે.., ઉપકાર રૂપી સૂર્યના તેજ થી અને સમાનતાના આ બ્રહ્માંડની સાક્ષીએ ઉડી-ફરી જીવી લઈએ.
માનવ તો ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ બનાવેલું પાત્ર છે. ઘણીવાર આપણે રોજિંદા જીવનમાં જાણતા-જોતાં-અનુભવતા હોઇએ છીએ કે જેના પ્રત્યે આપણને અપાર લાગણી હોય…, સંબંધમાં સ્નેહ વધુ હોય તેવા વ્યક્તિથી આપણને કે અન્યને ઈશ્વરની સમાન રચના હૃદયને ઠેસ પહોંચતી હોય…, તેને દુઃખ થતું હોય…, પરંતુ આ બાબતે સફળ માનવી તે જ કહેવાય જે, શાંતિપૂર્વક ઘડી બે ઘડી વિચારે. અને વિચાર્યા બાદ જ તમને અનુભૂતિ થશે કે ઠેસ તે જ માનવી આપી શકે…, જેના પ્રત્યે તમને પણ લાગણી હોય. આ લાગણીને ઘણી વાર સમાજના આ ભ્રમ રૂપી દર્પણથી અંદર છુપાવી દેવાય છે. પરંતુ વાસ્તવિકતામાં તો આ લાગણી હોય તો જ ઠેસ પહોંચે. આ જ નરું સત્ય છે.
અખિલ બ્રહ્માંડના નાથ અને જગતગુરુ શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર વાંચીએ-સમજીએ ત્યારે જાણ થાય કે શ્રીકૃષ્ણ એક હાથમાં સુદર્શન ચક્ર રાખતા અને બીજા હાથમાં મોરલી. હવે જ્યાં લાગણી હોય ત્યાં તો મોરલી જ વગાડવી પડે. અને દુષ્ટોના નાશને અર્થે સુદર્શન ચલાવવું પણ પડે. આજ વાત દરેક સંબંધમાં ઉતારીએ તો સંબંધના સથવારે આ જગત પાર કરી શકાય છે. કારણ કે…, જે કાર્ય પૈસાથી નથી થતું તે કાર્ય સંબંધ, સ્નેહ અને લાગણીથી થાય છે. માટે જ શ્રી રામ શબરીના એઠાં બોર ખાવા જાય છે…, અને માટે જ અર્જુનને કૃષ્ણ જેવા સારથી મળે છે. માટે આપણા જીવનમાં પણ ક્યાં સુદર્શન ચક્ર ચલાવવું અને ક્યાં મધુર મીઠી મોરલી વગાડવી એ આવડી જાય…, તો જીવનના આ સાગરને સરળતાથી પાર કરી આનંદની પળો લૂંટવાનો સોનેરી મોકો મળી જાય.
ક્યારેક કોઈ થી આડું-અવળું, ઊંધુ-સવળું બોલાય પણ જાય. દ્રોપદીથી આંધળા ના આંધળા જેવા શબ્દ નીકળી જતા હોય તો…, આપણે તો સામાન્ય માનવી છીએ. એક વાત હંમેશા યાદ રાખવી કે…, જે ગાડી ચાલતી હોય તેનું એન્જીન ગરમ થાય જ. અને આપણે પણ જોયું હશે જ કે ક્યારેક ગાડીમાં ઓઇલ પૂરું થઇ જાય તો ગાડી ચલાવવા માટે એન્જીન આપ મેળે ડીઝલ વધુ પ્રમાણમાં લે છે. તેવી જ રીતે આ લાગણી સ્નેહની ગાડી ચાલે તો ક્યારેક તો તેમાં નાની-મોટી, ઊંચી-નીચી સામાન્ય તકલીફ તો આવવાની જ છે. આમ જ સંબંધમાં પણ ક્યારેક એક બીજાને પૂરક બનવું પણ પડે. આ નાની-મોટી તકલીફોને લીધે લાગણીની ગાડી થોડી વહેંચી નખાય….? એ સંબંધના સુરને થોડું પૂર્ણ વિરામ અપાય?
ચાલો સૌ આજે જ સાથે મળીને આપણે સંકલ્પ કરીએ કે ; પ્રથમ નક્કી કરીએ.., જે માનવીની (1) જીવનમાં આપણે જરૂરિયાત છે. (2) જે માનવીને આપણી તેના જીવનમાં જરૂરિયાત છે. (3) જે માનવી સાથે આપણે અંત સુધી સંબંધ રાખવા ઈચ્છીએ છીએ. (4) જે માનવીને આપણા જીવનમાં…, આપણી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. (5) જે માનવીને કારણે આજે આપણને સારું માન-શાન અને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ છે. તેવા આ ઉપરના પાંચ મુદ્દાને આપણા હાથની પાંચ આગળી સમજીએ. હવે આ પાંચમાંથી એક પણ આંગણી ના હોય તો તેમને કેવું લાગશે? જરા વિચારો…, આમ પાંચેય ક્ષેત્રની આ આંગળીઓ સાથે મળે ત્યારે જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે. માટે સંકલ્પ કરીએ કે આ પાંચ પ્રશ્ન…, આ પાંચ આંગળીમાં આપણા જીવનમાં જે જે વ્યક્તિનો સમાવેશ થતો હોય, તે સર્વે સાથે હંમેશા મધુર મીઠી મોરલી નો જ ઉપયોગ કરીશું. સુદર્શન ચક્રનો ઉપયોગ કદાપી નહીં કરીએ. પછી કદાચ તે યાદીમાં દુશ્મનનું પણ નામ આવતું હોય તો ભવ્ય માનવીની જેમ માફ કરી.., ભૂલી-છોડી ફરીથી સંબંધ ના તાંતણે આ લાગણીનો લાવો લુંટી લઇએ. કારણ કે…, આ પાંચ આંગળી સાથે હશે તો જ તમારો હાથ પૂર્ણ શક્તિશાળી બનશે. આવો સૌ સાથે મળીને આ સંકલ્પને સાકાર કરીએ અને જીવનના મધ્યને મધ જેવું મીઠું બનાવીએ. ભારતની માનવતા અને મૂલ્યતા ને વિશ્વભરમાં પ્રસરાવી ભારતને વિશ્વ ગુરુ બનવીએ. વંદેમાતરમ