કુકાવાવ તાલુકાના લાખાપાદર ગામે જળસંચયના હેતુ સાથે તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય જાગૃતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ અને ગ્રામજનોને જળશક્તિનું મહત્વ સમજાવવા અને આગામી સમયમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાયાની ચર્ચાઓ કરવામાં આવી હતી.ભરતભાઈ ટીલવા (ડી.એલ.વાલ્વ) એ પણ પાણીના મહત્વ અને તેના કરકસરભર્યા ઉપયોગ વિશે ગ્રામજનોને વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાણી એ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે. જળ સંચયના પ્રકલ્પો થકી જ ગામડાઓને આત્મનિર્ભર બનાવી શકાશે. ગ્રામજનોએ આ જળ અભિયાનને વેગ આપવા અને ટ્રસ્ટની કામગીરીમાં સાથ આપવાનો સંકલ્પ કર્યો હતો. ટ્રસ્ટના અગ્રણી ભાવેશભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, “ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” રોકવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જો આપણે અત્યારથી જ ચેકડેમો અને તળાવોના ઊંડા ઉતારવાના તેમજ રીચાર્જ કરવાના કાર્યોમાં સહભાગી નહીં થઈએ, તો આવનારી પેઢી માટે મોટું સંકટ ઊભું થશે. તેમણે ટ્રસ્ટ દ્વારા થતી કામગીરીની રૂપરેખા આપી લોકભાગીદારી વધારવા હાકલ કરી હતી.દિલીપભાઈ સખીયાએ નિર્દેશ કર્યો હતો કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી, બોર રિચાર્જ અને ચેકડેમ જેવા માધ્યમો અપનાવવા અનિવાર્ય છે. જમીનમાં પાણીના તળ ઊંચા આવશે, ત્યારે જ સૌરાષ્ટ્ર અને ગુજરાત સાચા અર્થમાં સમૃદ્ધ બનશે. જળસંચય એ કોઈ વ્યક્તિગત કાર્ય નથી, પણ એક સામાજિક જવાબદારી છે.આ બેઠકમાં ગામના અનિલભાઈ ગજેરા, હરિભાઈ રવજીભાઈ ગજેરા, ઘનશ્યામભાઈ ગજેરા, પરેશભાઈ ગજેરા, સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં ટ્રસ્ટના ગીરધરભાઈ રૈયાણી, અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ ધાનાણી વગેરે હાજર રહ્યા હતા.