લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ પેરા ફીશીંગ ઉપર પ્રતિબંધ મુકવા બાબતે સમગ્ર ગુજરાતનાં માછીમાર આગેવાનોએ કેન્દ્રીય ફીશરીઝ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. આ પ્રકારની ફીશીંગ પધ્ધતિનાં કારણે માછીમારોને થઇ રહેલી નુકસાન અંગે મંત્રીને વાકેફ કરવામાં આવેલ હતા. આ પ્રશ્નને ગંભીરતાથી લઇ ટૂંક સમયમાં જ યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવનાર હોવાની મંત્રી દ્વારા હૈયાધારણ આપવામાં આવેલ હતી. વેરાવળ ખારવા સંયુકત માછીમાર બોટ એસો.નાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ પેરા ફીશીંગ ઉપર પ્રતિબંધ મુકવા બાબતે તથા આવી પ્રવૃતિઓને તાત્કાલિક બંધ કરાવવા અંગે સમગ્ર ગુજરાતનાં માછીમાર આગેવાનોની એક મિટિંગ માંગરોળ બંદરે તાજેતરમાં મળી હતી. જેમાં માછીમાર અગ્રણી વેલજીભાઈ મસાણીની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે રાજકોટ ખાતે કેન્દ્રીય ફીશરીઝ મીનીસ્ટર પરશોતમભાઈ રૂપાલાની રૂબરૂ મુલાકાત કરીને લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ પેરા ફીશીંગની પ્રવૃત્તિ રોકવા બાબતે રજૂઆતો કરી હતી.