રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓને ચિંતામાં મૂક્યા છે. મગફળીના પાક પર વરસાદની સીધી અસર થવાને કારણે બજારમાં આવક ઘટવાની શક્યતા છે. દિવાળીના તહેવાર બાદ સિંગતેલના ભાવમાં જાવા મળી રહેલા સતત ઘટાડા પર હવે અલ્પવિરામ મુકાયું છે. લાંબા સમયથી ચાલી રહેલા ઘટાડાના વલણ બાદ, સિંગતેલના ભાવમાં ડબ્બે ૧૫ રૂપિયાનો નજીવો વધારો નોંધાયો છે. નવા ભાવ વધારા સાથે રાજકોટ બજારમાં સિંગતેલના ૧૫કિલોના ડબ્બાનો ભાવ ૨૩૮૦ થી ૨૪૩૦ બોલાયો હતો.
બજારના જાણકારોના મતે, આ નજીવા ભાવ વધારા પાછળ મુખ્યત્વે સતત વરસાદી વાતાવરણ જવાબદાર છે. ચોમાસાની વિદાય બાદ પણ કેટલાક વિસ્તારોમાં અવારનવાર વરસાદી ઝાપટાં પડવાના કારણે બજારમાં પીલાણ યુક્ત મગફળીની આવક ઘટી છે. વરસાદના કારણે મગફળીની ગુણવત્તા પર પણ અસર થતા, સારી ગુણવત્તાવાળી મગફળીની ઓછી આવક થઈ છે, જેના પરિણામે ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે.
હાલના ભાવ વધારાને માત્ર અસ્થાયી ગણવામાં આવી રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓના મતે, આવનારા દિવસોમાં જો મગફળીની બમ્પર આવક થશે, તો સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. જો બજારમાં પુષ્કળ માત્રામાં અને સારી ગુણવત્તાવાળી મગફળી ઉપલબ્ધ થશે, તો ગ્રાહકોને ફરી એકવાર તેલના સસ્તા ભાવનો લાભ મળી શકે છે.






































