ભાગ – ૩
વહી ગયેલી વાત….
( શહેરના લવર્સ પોઈન્ટ પર એક રાત્રે રુદ્ર નામના એક યુવાનનું ખુન થઈ જાય છે. રુદ્રની સગાઈ અન્ય જ્ઞાતિમાં થઈ હોવાથી એના પિતા પર શક જાય છે. ઉપરાંત રુદ્રને એના નાના ભાઈ ઋષી સાથે પણ અણબનાવ હોય છે. વારંવારના બંનેના ઝઘડાને કારણે ઋષીએ આ કૃત્ય કર્યુ હોય એવો પણ શક જાય છે. રુદ્રની સગાઈ મીના સાથે થઈ હોય છે. મીનાની માનસિક હાલત સારી નથી હોતી. આ અગાઉ પણ નિલેશ નામના એક યુવાન સાથે એની સગાઈ થઈ હતી અને એની હત્યા થઈ ગઈ હતી. લોકો એમ માનતા હોય છે કે મીના માંગલિક છે એટલે એ જેની સાથે સગાઈ કરે છે એ મરી જાય છે… રુદ્રની હત્યા પછી મીના એના બોસ અનિકેત શાહના પ્રેમમાં પડે છે. ઈ. ઝલાને શક જાય છે કે કદાચ મીના જ આ કૃત્ય કરતી હોય અથવા તો એના બોસ અનિકેતે એને પામવા માટે આ બંને કતલ કર્યા હોય. હવે આગળ….)
***
ઈન્સપેક્ટર ઝાલા તેમની ટીમ સાથે અનિકેતના બંગલામાં બેઠા હતા.
‘અમે રુદ્રના મર્ડરકેસની તપાસ કરી રહ્યાં છીએ. એ માટે તમારી સાથે વાત કરવી છે.’ ઇ. ઝાલાએ કહ્યુ.
‘હું રુદ્ર વિશે કશું જ જાણતો નથી. અને એને ઓળખતો પણ નથી!’
‘પણ મીનાને તો જાણો છો ને? હમણા હમણા તો તમારી ઓળખાણ પણ સારી એવી વધી ગઈ છે. ’
‘વોટ ડુ યુ મીન… ઈટ્‌સ માય પર્સનલ મેટર!’ અનિકેત ગુસ્સે થઈ ગયો.
‘જુઓ મીસ્ટર! ગુસ્સે થવાની કોઈ જરૂર નથી. ખરેખર તો અમે તમને ચેતવવા જ અહીં આવ્યા છીએ. મીના સારી છોકરી નથી. એની માનસિક હાલત પણ ખરાબ છે. એ તમારા જેવા નબીરાઓને પ્રેમજાળમાં ફાંસે છે અને પછી એનું કતલ કરી નાંખે છે. તમે આજકાલ એના પ્રેમમાં પાગલ છો. સાવચેત રહેજા નહીંતર પેલા નિલેશ અને રુદ્ર જેમ જાનથી હાથ ધોઈ બેસશો…અન્ડરસ્ટેન્ડ?’
‘ખોટી વાત છે સાવ! તમારા પોલીસવાળાઓ પાસે આવા વાહિયાત તર્કો સિવાય બીજુ કશું હોતું નથી. આપ જઈ શકો છો. આઈ લવ હર. અને હવે એના વિશે ક્યાંય અફવા ના ફેલાવશો. નહીંતર જાવા જેવી થશે.’
રાઠોડ ઉકળ્યો, ‘એય જાવાવાળી. અમે તારા ભલા માટે કહીએ છીએ. અને પાછો ધમકી આપે છે.’
ઈ. ઝાલા એને શાંત પાડતા બહાર લઈ ગયા, ‘રાઠોડ, યાર, તું ગુસ્સે બહું થઈ જાય છે. એ પ્રેમમાં પાગલ છે. અને પ્રેમમાં પાગલ હોય એ આંધળા હોય છે. એને પોતાનું મોત પણ ના દેખાય સમજ્યો. ચાલ.’
‘પણ સર! મને તો એ જ ખુની લાગે છે. તમે ખરેખર એને આવી બધી વાત કરીને ચેતવી દીધો છે. હું ના પાડતો હતો કે આવું બધું નથી કરવું. પણ તમે ના માન્યા. હવે એ જ જા ગુનેગાર હશે તો ચેતી જશે.’
‘રાઠોડ, ડોન્ટ વરી. તું મારા પગલે ચાલ. મારી એક એક ચાલ પછીથી તને સમજાઈ જશે…’
***
સાંજનો સમય હતો. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. સફેદ કલરના સલવાર કમીઝમાં સજ્જ મીના અને જીન્સ – ટીશર્ટમાં સજ્જ અનિકેત રિવર ફ્રન્ટના વોક વે પર એક બાકડાં પર બેઠા હતા. સામે ગાંડીતૂર સાબર વહી રહી હતી. મીનાના વસ્ત્ર પૂરેપૂરા ભીંજાઈને એના બદન પર ચોંટી ગયા હતા. દમ-બ-દમ નત- ઉન્નત થતી એની છાતી પર અનિકેતની નજર ચોંટી ગઈ હતી. એના જીસ્મની ખુશ્બુમાં જાણે જન્નત હોય એમ અનિકેત એમા ગરક થઈ રહ્યો હતો. મીનાએ એને અટકાવ્યો, ‘અનિ આ જાહેર સ્થળ છે.’
‘સ્થળ જાહેર છે પણ તું તો મારી અંગત છે કે નહીં? હું તારા પર ઢળી રહ્યો છું. આ રીવર ફ્રન્ટ પર નહીં.’
‘અંગત માણસો સાથે અંગત પળો માણવી હોય તો જગ્યા પણ અંગત જાઈએ સમજ્યો.’
‘પણ તું એટલી સુંદર લાગે છે કે મારાથી રહેવાતું નથી. તારી જુવાની મને પાગલ કરી રહી છે. ’
અનિકેત બોલ્યો. એ સાથે જ મીનાની મસ્તીના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ. એનો ઉત્સાહ ઓસરી ગયો, એ અનિકેતથી અળગી થતા બોલી, ‘જુઠ્ઠુ ના બોલ! ’
‘જુઠ્ઠુ નથી બોલતો રીઅલી…’
‘જુઠ્ઠુ એકદમ જુઠ્ઠુ.. ’ મીના ઉભી થઈ ને રડતી રડતી ચાલવા લાગી. અનિકેત એની પાછળ દોડ્યો. એ બંને ગયા પછી એમની પાછળ બેસી એમની વાતો સાંભળી રહેલો એક વ્યÂક્ત પણ ઉભો થયો અને એણે એક નંબર ડાયલ કર્યો.
***
ઈન્સપેક્ટર ઝાલા બેઠા હતા એની પાછળની બારી ખુલ્લી હતી. બારીમાંથી આવતી વરસાદની વાંછટથી એમની વર્દી ભીંજાઈ રહી હતી. પણ એમને એનું ભાન નહોતું. એ કાગળોના થોથામાં ગુમ થઈ ગયા હતા.
‘સર, ત્રણ દિવસથી આ મોબાઈલના કાગળોમાં તમે શું શોધી રહ્યાં છો એ જ નથી સમજાતું. ’
‘તને ભલે ના સમજાતું હોય પણ મને સમજાઈ ગયુ છે.’ ઈ. ઝાલાએ ફાઈલ બંદ કરતા કહ્યુ, ‘ખૂની સુધી આપણે હવે બહું જલ્દી પહોંચી જવાના છીએ. મેં તને એક કામ સોંપ્યુ હતું એ કર્યુ?’
‘હા, સાહેબ! થઈ ગયુ છે. આ લો…’ કો. રાઠોડે ઘેલાણીના હાથમાં કેટલાંક કાગળો આપ્યો.
‘વેરી ગુડ! હવે તારે એક બીજુ કામ કરવાનું છે. અનિકેતની સેક્રેટરી આયેશાને હું કહું એ સમજાવી એની પાસે એક કામ કરાવવાનું છે. આવતી કાલે બપોરે કામ થઈ જવું જાઈએ… ’
‘ઓ.કે. સર! બોલો શું સમજાવવાનું છે?’ કોન્સટેબલ રાઠોડ ઈ. ઝાલા સામે બેઠો. ઈ. ઝાલાએ એને આખી યોજના સમજાવી. પછી કહ્યુ, ‘કાલે થોડાક માણસોની જરૂર પડશે. વ્યવસ્થા કરી લેજે. મારે અત્યારે આ કેસના સીલસીલામાં અંબાજીના મંદીર જવાનું છે.’
‘કાં, હારી ગ્યા? તમારાથી ના શોધાયુ તે હવે ભગવાન પાસે ખૂનીનું નામ જાણવા જાઓ છો.’ રાઠોડે મજાક કરી. પણ ઈ. ઝાલા ગંભીરતાથી બોલ્યા, ‘હા, રાઠોડ! આ કેસના ગુનેગારનું નામ ભગવાન જ કહેશે.’
***
રાતના સાડા અગિયાર થયા હતા. અનિકેતે બુક બાજુમાં મુકી અને લાઈટ ઓફ કરી. ત્યાંજ એના મોબાઈલનો મેસેજ ટોન વાગ્યો.
‘હાય…. ડિયર! મીનાની લાઈફ ખતરામાં છે. એને જીવતી જાવી હોય તો ફટાફટ લવર્સ પોઈન્ટ પર આવી જાવ. અને હા… કોઈને જાણ કરશો તો મીનાને ગુમાવી બેસશો. ગુડ બાય.’
અનિકેતની ઉંઘ ઉડી ગઈ. બે ઘડી તો એને સમજાયુ જ નહીં કે શું કરવું અને શું ન કરવું? એક વિચાર એને પોલીસને ઈન્ફોર્મ કરવાનો પણ આવી ગયો. પણ મીનાના જીવનું જાખમ લાગતા એણે એ વિચાર માંડી વાળ્યો. એ ફટાફટ ઉભો થયો. એના કબાટમાંથી રીવોલ્વર લઈને બહાર નીકળી ગયો. ગાડીમાં બેસતા બેસતા એણે મીનાને કોલ કર્યો. એનો મોબાઈલ સ્વીચ ઓફ હતો.ક્રમશઃ