ભાગ – ૨
વહી ગયેલી વાત….
( શહેરના લવર પોઈન્ટ પર એક રાત્રે રુદ્ર નામના એક યુવાનનું ખુન થઈ જાય છે. રુદ્રની સગાઈ અન્ય જ્ઞાતિમાં થઈ હોવાથી એના પિતા પર શક જાય છે. ઉપરાંત રુદ્રને એના નાના ભાઈ ઋષી સાથે પણ અણબનાવ હોય છે. વારંવારના બંનેના ઝઘડાને કારણે ઋષીએ આ કૃત્ય કર્યુ હોય એવો પણ શક જાય છે. રુદ્રની સગાઈ મીના સાથે થઈ હોય છે. મીનાની તપાસ કરતાં એના પિતા કહે છે કે એ માંગલિક હોવાથી એની સાથે જેની સગાઈ થાય છે તે મરી જાય છે. પોલીસ અંધશ્રદ્ધા જેવી વાત સાંભળી દંગ રહી જાય છે. તેઓ મીનાને મળે છે. તેના જવાબો પરથી તેની માનસિક હાલત પણ સારી નથી લાગતી. હવે આગળ….)
***
‘સાહેબ, છોકરીની માનસિક હાલત ઠીક નથી લાગતી.’ થોડા દિવસ પછી કોન્સટેબલ રાઠોડે ઈન્સપેક્ટર ઝાલાને કહ્યુ, ‘મેં એની પૂરી તપાસ કરી લીધી છે. એની ઓફિસનો સમય સવારે સાડા દસનો છે. એ સાત વાગે ઘરેથી નીકળી જાય છે. પછી આખા શહેરમાં ગમે ત્યાં સૂનમૂન રખડ્યા કરે છે. મોટે ભાગે ચાલીને આંટા મારે છે. કોઈને મળતી નથી, કોઈને ફોન નથી કરતી બસ રખડ્યા જ કરે છે. પછી ઓફિસે જાય છે.’
‘હા, પણ એ ગાંડી નથી લાગતી. મને તો લાગે છે કે આ ખૂન એણે જ કર્યા છે. એ પૈસાદાર યુવકોને પોતાની પ્રેમજાળમાં ફાંસે છે અને પછી ચોક્કસ સમયે એમની હત્યા કરી દે છે.’
‘પણ એની સાબિતી શું? એના કારણ શું?’
‘એ જ તો આપણે શોધવાનું છે! ચાલ, ઉભો થા અને ચા મંગાવ.’
***
‘મીના, તારી તબિયત કેમ છે? મેં સાંભળ્યુ છે કે રુદ્રની હત્યા થઈ ગઈ?’ ઓફિસમાં મીનાના યુવાન બોસ અનિકેત શાહ એને કહી રહ્યાં હતા. મીનાએ માત્ર માથુ ધુણાવ્યુ. બોસ ખૂરશીમાંથી ઉભા થયા અને એની નજીક આવ્યા, ‘મીના હું નાનપણથી જ કસરત કરું છું. આ ખભા બહું મજબુત છે. એ ગમે તેવો ભાર સહન કરી શકે તેમ છે. તને વાંધો ના હોય તો આ ખભા પર તું તારું અને તારા દુઃખોનું પોટલું મુકી શકે છે.’
મીના મુંઝાયેલા સ્વરે બોલી, ‘હું કંઈ સમજી નહીં.’
‘તું એટલી નાસમજ તો નથી મીના કે આ બધું સમજી ના શકે. છતાં કહી દઉં કે હું તને પ્રેમ કરું છું. અગાઉ હું તને કહેવાનો જ હતો ત્યારે તારી સગાઈ પેલા નીલેશ સાથે નક્કી થઈ ગઈ. એણે આત્મહત્યા કરી લીધી પછી છ મહીના મેં રાહ જાઈ. પછી તને કહેવાનું નક્કી કર્યુ ત્યાંજ તે રુદ્ર સાથે સગાઈ કરી લીધી. પણ આ વખતે હું મોડુ કરવા માંગતો નહોતો. બોલ તારો શું જવાબ છે?’
‘મારી પાસે ના આવશો સર! મારી પાસે તમને આપવા માટે મોત સિવાય કશું જ નથી. હું માંગલિક છું. જે મારી નજીક આવે છે એ મોતને ભેટે છે.. પ્લીઝ…’
‘બકવાસ છે બધો. હું એમાં નથી માનતો. હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. સ્વીકારી લે મને.’ બોસે એના કપાળે ચુંબન કર્યુ. મીના પાણીનો રેલો બનીને એમની બાંહોમાં સમાઈ ગઈ. બરાબર એ જ વખતે અધખુલ્લા બારણામાંથી બોસની સેક્રેટરી આયેશા આ બધું જાઈને ઉભી ને ઉભી સળગી રહી હતી.
પોલીસની તપાસ પૂરજાશમાં ચાલું હતી. ઈ. ઝાલાએ મીનાની અગાઉ સગાઈ થઈ હતી એ નિલેશ વિશે પણ તપાસ કરી હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે નિલેશે પણ લવર્સ પોઈન્ટ પાસે જ આત્મહત્યા કરી હતી. નીચેથી પસાર થતી ટ્રેનમાં રાત્રે પડતું મુકીને એણે આત્મહત્યા કરી હતી. એમણે એ કેસ સંભાળનારા પોલીસ અધિકારી પી.કે. પંડ્યાને આ વિશે પૂછપરછ કરી. પંડ્યાએ ચોખ્ખુ જ કહ્યુ. કે આત્મહત્યા લાગતી હતી પણ પુરવાર નહોતી થઈ. મતલબ કે એની પણ હત્યા થઈ હોઈ એવું શક્ય હતું. સાવ સરળ લાગતો પ્રશ્ન ઘુંટાઈ રહ્યો હતો. મીનાનું જીવન ફરી પાછું એ જ જુના ખખડધજ પાટે ચડી ગયું હતું. એની ઓફિસની મુલાકાત દરમિયાન ઈ. ઝાલાને એ પણ જાણવા મળ્યુ હતું કે રુદ્રના મોત પછી હવે મીના એના બોસ અનિકેત શાહના પ્રેમમાં પડી હતી અને બંને ખુબ મળતા હતા અને મજા કરતા હતા.
‘રાઠોડ, આ કેસ તો સાલો ગુંચવાઈ રહ્યો છે. શકમંદ લોકો વધતા જાય છે. એક તો રુદ્રના નાનાભાઈ પર પણ શક છે. એણે મિલકતની લાલચમાં રુદ્રને માર્યો હોય તેમ પણ બને. બીજા શક એના પિતા પર છે. રુદ્રએ આર્થિક રીતે નબળા અને અન્ય જ્ઞાતિમાં સગાઈ કરી એટલે એના પિતાએ પણ ગુસ્સે થઈ ઈજ્જતના લીધે આ કૃત્ય કર્યુ હોય. અને ત્રીજા શક મીના પર છે. એણે પણ કદાચ કોઈ કારણોસર અથવા માનસિક બીમારીને કારણે આ લોકોને પ્રેમજાળમાં ફસાવીને આ કામ કર્યુ હોય એવું બને! હવે આ ત્રણમાંથી કોણ કાતિલ છે અને એણે શા
આભાર – નિહારીકા રવિયા માટે કતલ કર્યુ છે એ શોધવું જરા કપરું છે.’
‘સાહેબ! ભુલી ગયા કે આજકાલ મીનાનું ચક્કર એના બોસ અનિકેત સાથે ચાલે છે. આપણને મળેલી માહિતી મુજબ અનિકેત વર્ષોથી મીનાના પ્રેમમાં હતો. પણ બે વખત અનિકેતના એકરાર પહેલા મીનાએ સગાઈ કરી લીધી હતી. એવું પણ બને ને કે મીનાને મેળવવા અનિકેતે જ બંને કતલ કર્યા હોય? બોલો બને કે નહીં?’
ઈ. ઝાલા અચંબામાં પડી ગયા, સાલુ, આ વાત એમના દિમાગમાં આવી જ નહીં. એ બોલ્યા, ‘બને, રાઠોડ ચોક્કસ બને. તું બરાબર તપાસ કર, અને પુરાવા ભેગા કર!’
***
અનિકેતની ગાડી એક ચિચિયારી સાથે લવર્સ પોઈન્ટ હાઈવે પર આવીને ઉભી રહી. એ સાથે જ ખિલખિલાટ કરતી મીનાનો ચહેરો ફરી ગયો, ‘અનિ, અહીં શું કામ ગાડી ઉભી રાખી? મને અહીં નથી ગમતું!’
‘કેમ! પુરાની યાદો તાજી થાય છે? રુદ્ર સાંભરી આવે છે કે એનુ મોત. નિલેશ કે પાટા નીચે કપાયેલી એની લાશ?’ અનિકેતે મીનાની આંખોમાં આંખો પરોવતા ધારદાર અવાજે કહ્યુ. મીના સ્તબ્ધ થઈ ગઈ, ‘અનિ! આર યુ મેડ? કેવી વાતો કરે છે તું!!!’
અને અનિકેત ખડખડાટ હસી પડ્યો, ‘હા….હા….હા… સોરી ડા‹લગ.. જસ્ટ કિડિંગ….. તને ડરાવવા જ હું અહીં લાવ્યો હતો. પ્લીઝ, તું આમ ગભરાઈ ના જા… હું તો મજાક કરી રહ્યો છુ.’
મીના હજુ લાકડા જેમ જડ બની એની સામે જાઈ રહી હતી.
‘હસને યાર! હું મજાક કરી રહ્યો હતો. હવે કદી તને આ લવર્સ પોઈન્ટ પર નહીં લાવું બસ!’
મીનાનો ચહેરો ફર્યો નહીં. એ એમ જ જડ જેમ એની સામે જાતી રહી અને પછી કરડાં અવાજે બોલી, ‘એમ તો તારે એક વાર અહીં આવવું જ પડશે.. એક દિવસ જરૂર આવવું પડશે..’
એનો કરડો અવાજ સાંભળી અનિકેત થથરી ગયો. એને ધ્રુજતો જાઈ મીના ખડખડાટ હસી પડી, ‘ઓ મારા મરદ! આમ ગભરાઈ શેનો જાય છે. જસ્ટ કિડિંગ… મજાક હું પણ કરી શકું કે નહીં?’ પછી એક સાથે બે અટહાસ્યો એ હવામાં ઘોળાઈ રહ્યાં હતા. એમાંનું એક સાચુ હતું, એક ખોટુ હતું કે પછી બંને સાચા હતા એ માત્ર ભગવાન જાણતો હતો. ક્રમશઃ