ગુજરાતી ફિલ્મ અને સંગીત જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી સંગીત જગતના શિખર પુરુષ અને જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે અમદાવાદ ખાતે ૮૭ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ લેવાની સાથે જ ગુજરાતી સંગીત ક્ષેત્રે એક એવા યુગનો અંત આવ્યો છે, જેણે પોતાની અદ્ભુત ધૂનોથી પેઢીઓનાં દિલમાં રાજ કર્યું છે. તેમના અવસાનથી સમગ્ર કલા, સંગીત અને સાહિત્ય જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
ગૌરાંગ વ્યાસના રક્તમાં જ સંગીત વણાયેલું હતું. તેઓ પ્રખ્યાત સંગીતકાર અને પદ્મશ્રી અવિનાશ વ્યાસના સુપુત્ર હતા. પિતાના કલાત્મક વારસાને આગળ વધારતા ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીત જગતમાં પોતાનું એક અનન્ય સ્થાન બનાવ્યું હતું. ૧૦૦થી વધુ ફિલ્મો અને ૫૦૦થી વધુ રચનાઓને પોતાના સ્વર અને સંગીતથી સજાવનાર ગૌરાંગ વ્યાસે પોતાની પ્રતિભાના બળે ગુજરાતી સિનેમાને સમૃદ્ધ બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા પણ તેમને ૧૮ અલગ-અલગ ફિલ્મો માટે ‘શ્રેષ્ઠ સંગીત નિર્દેશક’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
“દીકરી તો પારકી થાપણ કહેવાય…” આ એક એવી ભાવનાસભર રચના છે જેણે શ્રોતાઓના હૃદયમાં ગૌરાંગ વ્યાસને અમર કરી દીધા છે. આ ઉપરાંત, તેમના દ્વારા સ્વરબદ્ધ થયેલા ગીતો જેવા કે ‘આજ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ’, ‘મુને એકલી મેલીને ક્યાં ચાલી ગયા’ અને ‘ચાંદો ઊગ્યો ચોકમાં’ આજે પણ ઘર-ઘરમાં ગુંજે છે. તેમણે ‘ભવની ભવાઈ’ અને ‘લાખો ફુલાણી’ જેવી લોકપ્રિય અને અર્થસભર ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું હતું. માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ ગુજરાતી સિનેમા ઉપરાંત તેમણે અનેક સુગમ સંગીતના આલ્બમો, ગરબા, ભજનો અને નાટકોમાં પણ યાદગાર સ્વરાંકનો તૈયાર કર્યા હતા. તેમની સંગીત રચનાઓની લોકપ્રિયતા એવી હતી કે તેમણે ભારતની નામાંકિત અને દિગ્ગજ પાર્શ્વગાયિકાઓ લતા મંગેશકર અને આશા ભોંસલે પાસે પણ ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા.
ગૌરાંગ વ્યાસ દ્વારા સર્જાયેલા ગીતો અને ગરબાઓ આજે પણ દરેક ગુજરાતીના દિલમાં વસેલા છે. તેમના નિધનથી માત્ર સંગીત ક્ષેત્રને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની કલા અને સંસ્કૃતિને મોટી ખોટ પડી છે. રાજ્યના સ્થાનિક કલાકારો, ગાયકો, ફિલ્મ નિર્માતાઓ અને અસંખ્ય સંગીતપ્રેમીઓએ અશ્રુભીની આંખે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભલે ગૌરાંગ વ્યાસ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સંગીતમય સરવાણી અને મધુર રચનાઓ સદાય અમર રહેશે.
પીએમ નરેન્દ્ર મોદીએ ગૌરાંગ વ્યાસના નિધન પર જણાવ્યું હતું કે, ગુજરાતી સંગીતજગતના જાણીતા સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસના અવસાનથી અત્યંત દુઃખ થયું. પિતા અવિનાશ વ્યાસની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે ગુજરાતી સંગીતના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના અવસાનથી ગુજરાતે એક પ્રતિભાશાળી સર્જકને ગુમાવ્યાની લાગણી થાય છે. ગુજરાતી સંગીતક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારજનો અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વનાપૐ શાંતિપ!!
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગૌરાંગ વ્યાસના નિધન પર ટીવટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતી સંગીત જગતના ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ગુજરાતી સિનેમા, સુગમ સંગીત અને લોકસંગીત ક્ષેત્રે તેમણે આપેલું અમૂલ્ય યોગદાન સદાય સ્મરણીય રહેશે. સંગીતના સમૃદ્ધ વારસાને આગળ ધપાવીને તેમણે સર્જેલી કર્ણપ્રિય સુરાવલીઓ સંગીતપ્રેમીઓના હૃદયમાં હંમેશાં જીવંત રહેશે.
ગૌરાંગ વ્યાસ (૨૪ ડિસેમ્બર ૧૯૩૮ – સપ્ટેમ્બર ૨૦૨૬) ભારતના એક મહાન સંગીતકાર, સંગીત નિર્દેશક અને પાર્શ્વગાયક હતા. ગુજરાતી સિનેમા, પરંપરાગત ગરબા અને સુગમ સંગીતમાં તેમના અમૂલ્ય અને યુગપ્રવર્તક યોગદાન માટે તેઓ ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. આ મહાન સંગીતકારનું ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે નિધન થયું છે. તેઓ પોતાની પાછળ એક એવો સમૃદ્ધ વારસો છોડી ગયા છે જેણે આધુનિક ગુજરાતી સંગીતની ઓળખને એક નવો આકાર આપ્યો.પ્રખ્યાત સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર હોવાના નાતે ગૌરાંગ વ્યાસનો ઉછેર જ સંગીતમય વાતાવરણમાં થયો હતો. તેમણે ભારતીય શાસ્ત્રીય રાગો અને પરંપરાગત ગુજરાતી લોકસંગીતનો સુંદર સમન્વય કરીને પરિવારની સમૃદ્ધ સંગીત પરંપરાને ખૂબ જ શ્રેષ્ઠ રીતે આગળ ધપાવી. દાયકાઓ સુધી વિસ્તરેલી તેમની કારકિર્દીમાં તેમણે ૧૦૦ થી ૧૨૫ થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. આશરે ૨૫ જેટલી લોકપ્રિય ટેલિવિઝન સિરિયલો માટે ટાઈટલ મ્યુઝિક આપ્યું. લતા મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર અને સુરેશ વાડકર જેવા દેશના મહાન પાર્શ્વગાયકો સાથે કામ કર્યું.
સંગીત અને સુરાવલો પરના તેમના અદ્ભુત પ્રભુત્વ બદલ તેમને અનેક મોટા પુરસ્કારો મળ્યા છે. ૧૮ રાજ્ય ફિલ્મ એવોર્ડઃ ગુજરાત સરકાર દ્વારા ૧૮ અલગ-અલગ ફિલ્મો માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. ગૌરવ પુરસ્કારઃ ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમી દ્વારા પ્રતિષ્ઠિત રાજ્ય કક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા.