૪ માસ પૂર્વેઃ
લગ્ન કંકોત્રીની ડિઝાઇન અને લખાણ માટેના મેટર વગેરે તૈયાર કરી કરાવી લો અને પ્રિન્ટિંગ માટે આપી દો. પ્રૂફ વાંચવા માટે પૂરતો સમય રાખો.
યુવક-યુવતીના કે ઘરના સભ્યોના વસ્ત્રોને સિલાઇ માટે આપી દો.
યુવક-યુવતીના વાલીઓએ જે સામા પક્ષે આપવાની ચીજ-વસ્તુઓ કે ભેટની યાદી કરી તેની ખરીદી પણ કરી લેવી.
મકાનનું નાનું મોટું સમારકામ કે રંગ-રોગાન અને સાફ-સફાઈ કરાવી લો.
૩ માસ પૂર્વેઃ
લગ્ન પત્રિકામાં મહેમાનોના નામ લખવાનું શરૂ કરી દો.
સૌપ્રથમ લગ્ન કંકોત્રી આપતા પૂર્વે લગ્ન સાથે સંકળાયેલા તમામ કાર્યક્રમોની યાદી બનાવીને વોટ્સએપ ગ્રુપ બનાવી બધાને મોકલી આપો જેથી તેઓ તે દિવસે આવવાની પૂરતી તૈયારી કરી શકે.
બહારગામથી આવનારા મહેમાનો માટે આવાસ-નિવાસનું નક્કી કરી વ્યવસ્થા કરી-કરાવી દો.
દૂર વસનારા સગા-સંબંધીઓને કંકોત્રી પોસ્ટ કરવાનું શરૂ કરી દો.
ઘરે આવનારા મહેમાનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગ્રોસરી-શાકભાજી-અન્ય ચીજ-વસ્તુઓની વ્યવસ્થા કરી રાખો.
૨ માસ પૂર્વેઃ
આસપાસ રહેનારાઓને તમારા પરિવારની પરંપરા અનુસાર મીઠાઈ કે ઉપહારની સાથે કંકોત્રી આપવાનું શરૂ કરી દો.
બધા જ મુખ્ય પ્રસંગો – આયોજનો માટે પાણી, જનરેટર, લાઈટિંગ, સુરક્ષા વગેરે જેવી તમામ સુવિધાઓનો પ્રબંધ કરી-કરાવી લો.
બીજા શહેરમાંથી આવનારા મહેમાનોને રેલ્વે સ્ટેશન – બસ સ્ટેશન કે એરપોર્ટ પરથી ઘર સુધી લાવવાની વ્યવસ્થા કરી લો અને આયોજન કરી લો.
લગ્ન પૂર્વે થનારા બધા રીતિ-રિવાજો-રસમોમાં જે-તે મહેમાનોની ભૂમિકાઓ નક્કી કરી લો અને એ અંગે તેમને વ્યવસ્થિત પણે સમજણ પણ આપી દો.
ગીત-સંગીત-ગરબાના દિવસે કોઈ ધમાલ રાખવા ઈચ્છતા હોવ તો તેની તૈયારી પ્રથમથી જ કરી લો.
મહેંદી મૂકનાર બહેનોને, ગીત-સંગીત કરનાર ભાઈ-બહેનોને કે ગરબા ગવડાવનાર બહેનોના ગ્રુપને પ્રથમથી જ નક્કી કરીને બુક કરી લો. શક્ય હોય તો તેમને પ્રસંગોચિત ગીત-સંગીતનું લિસ્ટ પણ તૈયાર કરીને આપી શકો છો.
લગ્ન વિધિ વખતની જરૂરી ચીજ-વસ્તુઓની સામગ્રી માટે ગોર મહારાજને પૂછીને લિસ્ટ બનાવી લો અને ખરીદી કરીને તૈયાર રાખો.
૧ માસ પૂર્વેઃ
બધી જ ખરીદીની યાદીઓ, રસીદો વગેરે સાધનોને એક ફાઈલમાં મૂકી દો.
જરૂરી આવાગમન માટે ગાડી-રેન્ટ કે બાઈક-સ્કૂટરની વ્યવસ્થા પ્રથમથી જ કરી રાખો.
જરૂરિયાત મુજબના ગાદલા-તકિયા-ચાદર-પંખા-ડેકોરેશન-ખુરશી-ટેબલ વગેરેની વ્યવસ્થા કરી-કરાવી લો.
ક્રોકરી સહિતના બધા જ જરૂરી વાસણોની યાદી બનાવી ઓર્ડર કરી દો.
પર્યાપ્ત કૂકિંગ ગેસ સિલિન્ડરની વ્યવસ્થા પણ કરી રાખો.
ઘરના કામકાજ જેવા કે કચરા-પોતા-કપડા-વાસણ-બાળ સંભાળ-વૃધ્ધ સંભાળ-ખરીદી વગેરે માટે હેલ્પર્સની વ્યવસ્થા પણ કરી લો.
આમંત્રિતોનું લિસ્ટ ફરીથી એકવાર ચેક કરી લો અને જોઈ-જાણી લો. જો કોઈ રહી ગયું હોય તો તેને પોસ્ટ-આંગડિયા-રૂબરૂ કે ફોન નેટ દ્વારા કે મેસેજ દ્વારા નિમંત્રણ ચોક્કસ આપી દો.
મહેમાનોને આપવાની ગિફ્ટ ખરીદીને તેનું પેકિંગ કરી યાદી કરી તૈયાર રાખો.
પરિવારના સભ્યો સાથે વિચાર-વિમર્શ કરીને બધી જ નજીકની વ્યક્તિઓ વચ્ચે લગ્ન સમારંભની જરૂરી જવાબદારીઓ વહેંચી દો.
કોઈ ખાસ જવાબદાર અને વિશ્વાસુ વ્યક્તિને સાલ્લા લેવાની અને ભેટ લેવાની જવાબદારી સોંપો.
મીઠાઈ-ડ્રાયફ્રૂટ્સનો ઓર્ડર આપી દો.
અંતમાં… લગ્ન સ્થળ, કેટરર્સ, ડેકોરેટર્સ, ડીજે-બેન્ડ, ગીત-સંગીત ગ્રુપ, મહેંદી ગ્રુપ, ફ્લોરિસ્ટ, ફોટોગ્રાફર, વિડિયોગ્રાફર, મહેમાનો માટે રહેવા-બેસવા-પાણી-નાસ્તો વગેરે માટે કરેલી વ્યવસ્થાઓને ફરીથી એકવાર ચકાસી લો. હવે, બેસ્ટ ઓફ લક એન્ડ કોન્ગ્રેચ્યુલેશન ફોર મેરેજ ફંક્શન…! sanjogpurti@gmail.com








































