“કુંડલી ભાગ્ય” સીરિયલની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા ૧૬ નવેમ્બરે લગ્ન કરવાની છે. લગ્ન માટે શ્રદ્ધા દિલ્હી પહોંચી ગઈ છે અને તેના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. સામાન્ય રીતે શ્રદ્ધા આર્યા પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. પણ હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં થનારા પતિની ઝલક બતાવી છે. શ્રદ્ધા આર્યાના થનારા પતિનું નામ રાહુલ શર્મા છે, આનાથી વિશેષ કોઈ જ માહિતી બહાર આવી નથી. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાહુલનો ફોટો શેર કર્યો છે તેમાં પણ તેનો ચહેરો હાર્ટ ઈમોજીથી છુપાવી દીધો છે. મહેંદી સેરેમનીની ઝલક બતાવતી તસવીર શ્રદ્ધાએ શેર કરી છે. ત્યારે રાહુલના હાથમાં હાર્ટ દોરવામાં આવ્યું છે અને તેમાં શ્રદ્ધાનું નામ લખેલું છે. તસવીરમાં રાહુલ ઓલિવ ગ્રીન રંગના કુર્તામાં ‘ગ્રુમ ટુ બી’ના સેશ સાથે જોઈ શકાય છે.
આ પહેલા શ્રદ્ધાના ઘરે નાનકડી વિધિ પણ પૂરી થઈ હતી. જેમાં શ્રદ્ધા આર્યા ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળે છે. આસપાસ ફૂલોથી સજોવટ કરવામાં આવી છે. શ્રદ્ધાની સાથે તેના નજીકના સંબંધીઓ જોવા મળી રહ્યા છે. તેમાંથી એક મહિલા શ્રદ્ધાના માથા પર કંકુથી તિલક કરે છે. ત્યારબાદ શ્રદ્ધા હાથ જોડીને પગે લાગે છે. શ્રદ્ધાના ઘરે થયેલી આ રસમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગ્ન પહેલા શ્રદ્ધા આર્યા પોતાની ગર્લગેંગ સાથે ખૂબ મસ્તી કરી રહી છે. શ્રદ્ધા મિસમાંથી મિસિસ બની જશે ત્યારે બેચલર જિંદગીની પળેપળને માણી રહી છે. શ્રદ્ધાએ પોતાની બહેનપણીઓ સાથે પિઝાનો સ્વાદ માણ્યો હતો અને ડાન્સ પણ કર્યો હતો. હિના પરમાર અને આકાંક્ષા મલ્હોત્રા સાથે શ્રદ્ધા દિલ ખોલીને નાચતી અને આનંદ કરતી જોવા મળી રહી છે. શ્રદ્ધાના આ વિડીયો પણ વાયરલ થયા છે.જણાવી દઈએ કે, ૧૬ નવેમ્બરે શ્રદ્ધા આર્યા લગ્ન કરવાની છે. થોડા દિવસ પહેલા જ શ્રદ્ધા મુંબઈથી દિલ્હી પહોંચી છે. શ્રદ્ધાના લગ્નના સમાચાર તેનાં ઘણાં મિત્રો અને ફેન્સ માટે સુખદ આશ્ચર્ય લઈને આવ્યા હતા.