સાક્ષીના લગ્નને મહિનો ક્યાં વીતી ગયો એ ખબર જ ન પડી. સાક્ષી ખૂબ જ ખુશ હતી. લગ્નનો રોમાંચ અને કેફ હજી ઉતર્યા ન હતા. લગ્નના પછીનું અઠવાડિયા તો બઘા સગાંવહાલાંને ઘરે જવામાં નીકળી ગયું. પછી પંદર દિવસ બન્ને હનિમૂન માટે ઉપડી ગયા. ત્યાંથી પાછા આવીને સાક્ષી બે – ચાર દિવસ પિયર જઇ આવી એટલે લગ્નના મહિના પછી પણ સાસુ કે સાસરીનો બહુ અનુભવ ન થયો. નોકરી કરતી સાક્ષીએ લગ્ન માટે રજા લીધી હતી. હવે તો રજા પણ પૂરી થઈ અને હવે નોકરી જોઈન કરવાની હતી. ઓફિસ જવાના પહેલા દિવસે તે થોડી વહેલી ઊઠી અને ઘરનું થોડું કામ પતાવી, રસોઈની તૈયારી કરીને ઓફિસે જવાની તૈયારી કરવા લાગી. ત્યાં જ તેના સાસુએ કહ્યું, “લોટ બાંધી દે, દાળ, શાક, સંભારણા કરતી જા, રોટલી હું કરી લઈશ.” સાક્ષી તો ડધાઈ ગઈ. સાડા આઠ થઈ ગયા હતા, અને હજી પોતે તૈયાર થવાનું બાકી હતું. સાડા નવે તો ઓફિસે પહોંચવું પડે. પણ સાસુને ના કેમ પાડવી ? તેણે ઝટપટ રસોઈ કરી અને ઝડપથી ઓફિસે ગઈ, તો પણ દસ ઉપર વાગી ગયા. ઓફિસે પહોંચી તો કલાક જેટલી મોડી હતી. જો કે લગ્ન પછી ઓફિસનો પહેલો દિવસ હતો એટલે કોઈએ કંઈ કહ્યું નહી. આખો દિવસ મજાક મસ્તીમાં અને પોતાનું પેન્ડિગ કામ પચાવવામાં ગયો. ઓફિસેથી ઘરે આવતા વિચાર્યું કે ઘરે પહોંચીને થોડી ફ્રેશ થઈને પતિ સાથે થોડો સમય વિતાવી અથવા બહાર ચક્કર મારવા જઈશું. ઘરે પહોંચીને જોયું તો ઘરે તાળું… બાજુવાળા કાકીએ ચાવી આપી અને કહ્યું કે તારા સાસુ મંડળમાં ગયા છે, રસોઈ બનાવી લેજે એમ કહ્યું છે.
સાક્ષી તો ડધાઈ ગઈ. તેની આંખમાં આંસું આવી ગયા. મમ્મી યાદ આવી ગઈ. તેની મમ્મી તેના ઓફિસેથી ઘરે આવવાના સમયે ક્યાંય બહાર ન જતી. સાક્ષીને ઓફિસેથી આવીને કોઈ કામ ન રહેતું, પણ સાસરીયામાં પહેલા જ દિવસે અલગ અનુભવ થયો. ઘર ખોલીને અંદર પ્રવેશતા તે રડી પડી. થાકને ભૂલીને રસોડામાં કામ પર લાગી ગઈ.
આવો અનુભવ અનેક સાક્ષીને થતો જ હશે. નોકરી કરતું છોકરીઓને માથે લગ્ન પછી જવાબદારી આવી જાય છે, ત્યારે તે જલ્દી જવાબદારી સ્વીકારી શકતી નથી. લગ્ન પછી જીવનમાં આવતા પરિવર્તનને તે સહજતાથી સ્વીકારી શકતી નથી.
હાઈફાઈ લાઈફ સ્ટાઈલ અને વધુમાં વધુ પૈસા કમાવવાની મહત્વાકાંક્ષાને કારણે મોટાભાગના યુવાનોને પત્નીના રુપમાં સ્માર્ટ અને સ્વાવલંબી જીવનસાથીની ઝંખના હોય છે. તો બીજી તરફ છોકરીઓને પણ પોતાની ઓળખ ઊભી કરવા અને ભણતરનો ઉપયોગ કરવા નોકરી કરવાની ઈચ્છા હોય છે. પણ નોકરી કરતી યુવતી સાસરે જાય ત્યારે તેને સંતુલન જાળવવુ અધરું થઈ જાય છે. લગ્ન તો બે વ્યક્તિ વચ્ચે થાય છે, પણ આપણી પરંપરા મુજબ સ્ત્રીએ જ પારકાને પોતાના કરવાના હોય છે. સ્ત્રીએ જ સાસરિયામાં આવીને નવા વાતાવરણમાં પોતાનું સ્થાન બનાવવાનું હોય છે. બઘા સાથે હળીમળીને રહેવાની તેની જવાબદારી છે. અજાણ્યા વાતાવરણમાં રહેવાનું, સાસરીયાની અપેક્ષા પૂરી કરવાનું કામ નવપરિણીત યુવતી માટે અધરું છે. તેમાં પણ જો તે નોકરી કરતી હોય તો આ કામ બમણા પડકારરૂપ છે.
લગ્ન પહેલા નોકરી કરતી યુવતી ઓફિસ પછીનો સમય પોતાની મરજી મુજબ વિતાવે છે. પણ લગ્ન પછી આ હક્ક છીનવાય જાય છે. લગ્ન પહેલા તેના પર માત્ર નોકરીની જ જવાબદારી હોય છે, જ્યારે લગ્ન પછી નોકરીની સાથે સાથે ઘરની જવાબદારી પણ ઉપાડવી પડશે છે. ઘણીવાર નોકરી કરતી યુવતી પતિ સાથે અલંગ રહેવાનું વિચારે છે, પણ તેનાથી તેની જવાબદારી ઓછી નથી થતી, માત્ર થોડો ફેરફાર થાય છે.
લગ્નજીવનમાં બાંધછોડ કરવી જ પડે છે, પણ લગ્નની શરૂઆતમાં યુવતીઓ માટે આ કામ અધરું બની જાય છે. એક તરફ નવા નવા લગ્ન થયા હોય એટલે પતિ સાથે સમય વિતાવવાની તાલાવેલી, બીજી તરફ સાસરીયાની રીતભાત સમજવાની મથામણ અને ત્રીજી તરફ ઓફિસની જવાબદારી.આ ત્રણેય વચ્ચે નવપરિણીત યુવતી મુંજાય જાય છે.
ક્યારેક પતિ પત્ની બન્ને નોકરી કરતા હોય ત્યારે લગ્ન પછી વધારે રજા મળે તેમ ન હોય તો ફરવા જવાનું પણ અટકી પડે છે. ક્યારેક કારકિર્દી માટે અનેક સમસ્યા પણ સ્વીકારવા પડે છે. પોતાના શોખ જતા કરવા પડે છે. કારકિર્દીલક્ષી યુવતીઓ માટે લગ્ન પછી ઘરની અને નોકરીની જવાબદારી વચ્ચે સંતુલન રાખવું મુશ્કેલ હોય છે, પણ જો પતિ અને પરિવારનો સહકાર મળે તો આ મુશ્કેલી ઓછી થઈ જાય છે.
જો પુરુષ પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષિત પારિવારિક જીવન માટે નોકરી કરતી પત્ની ઈચ્છે તો તેણે પણ પત્નીના કામ, ક્ષમતાઓ અને મર્યાદાઓનો સ્વીકાર કરવો જોઈએ. પ્રગતિશીલ યુવાનોએ પ્રયોગશીલ પણ બનવું જોઈએ, પત્નીને મદદ કરવી જોઈએ.
કારકિર્દી અને દામ્પત્યજીવન વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. આજની શિક્ષિત યુવતીઓ પોતાની સમજદારી દ્રારા આ સંતુલન જાળવી શકે છે. ઘણીવખત તો નોકરી કરતી યુવતીઓ વધુ સારી રીતે ઘર સંભાળતી હોય છે અને વધુ આનંદિત જીવન જીવે છે. નોકરી કરતી યુવતીઓ પતિને નોકરી સંબંધિત મુશ્કેલીમાં સલાહ પણ આપી શકે છે. બીજી બાજુ પતિ પણ પોતાની નોકરી કરતી પત્નીની મુશ્કેલી ઝડપથી સમજી શકે છે અને તેને સાથ આપી શકે છે. નોકરી કરતી યુવતીઓની મોટી સમસ્યા સમયનો અભાવ છે. જો તે કુશળતાપૂર્વક આયોજન કરે અને ઘરના સભ્યોનો સાથ મળે તો તે ઘર અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવી શકે છે.