સુરતના માંડવીના અરેઠ ગામમા દુખદ પ્રસંગ બન્યો હતો. અરેઠ ગામે લગ્ન પ્રસંગના આગલા દિવસે નાચતા નાચતા હાર્ટ એટેક આવતા વરરાજાનું મોત થયુ છે. જ્યા લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવાનો સમય આવ્યો. જાન જવાને બદલે વરરાજાની અરથી ઉઠી હતી. વરરાજા હિતેશ ચૌધરીને રાત્રીના સમયે પોતાના લગ્નમાં ઘરે ડીજેના પ્રસંગમાં નાચતા નાચતા હાર્ટ એટેક આવતા મોત થયુ. વરરાજાનું મોત થતા પરિવારજનો શોકમગ્ન થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી તાલુકાના અરેઠ ગામે ૩૩ વર્ષીય મિતેશભાઈ ચૌધરીના લગ્ન લેવાયા હતા, લગ્નને કારણે ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્નમાં અલગ અલગ પ્રસંગોનું આયોજન કરાયુ હતું. સાંજના સમયે જમણવારનો કાર્યક્રમ ગોઠવાયો હતો. જેના બાદ ડીજે પ્રસંગ રખાયો હતો. ડીજે પ્રસંગમાં પરિવારના નજીકના સદસ્યો જાડાયા હતા. આ સમયે પરિવારના સદસ્યો નાચવામાં વ્યસ્ત હતા. ત્યારે વરરાજા પણ નાચી રહ્યો હતો, અચાનક તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તે અસહાય બન્યો હતો. દુખાવો વધતા તેને તાત્કાલિક હોસ્પિટલમા સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
તબીબોએ જણાવ્યુ કે, હાર્ટ એટેકને કારણે મિતેશનુ મોત થયુ હતું. આ સાંભળતા જ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. લગ્નનો પ્રસંગ શોકમા ફેરવાયો હતો. જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા, એ જ ઘરમાંથી વરરાજાની સ્મશાનયાત્રા નીકળી હતી. ડીજે નાઈટનો વરરાજાનો વીડિયો પણ સામે આવ્યો છે.