સુરતની એક લૂંટેરી દુલ્હન લગ્નના ત્રીજા દિવસે દાગીના સાથે રફુચક્કર થઈ ગઈ હતી. જે બાદમાં ગીર-સોમનાથના એક યુવાને આપઘાત કરી લીધો છે. દુલ્હને યુવાન પાસેથી ૧.૫૨ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ યુવાને આઘાતમાં આવીને આપઘાત કરી લેતા સુરત પોલીસે દુલ્હન સામે ગુનો દાખલ કરીને આરોપી યુવતીને વોન્ટેડ જાહેર કરી હતી. આ કેસમાં પોલીસે હવે યુવતીની ધરપકડ કરી લીધી છે.
સુરત પોલીસ ગુનાખોરી ડામવા માટે ગુનામાં સંડોવાયેલા હોય તેવા ગુનેગારો પકડી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ જ કડીમાં સુરત પોલીસને માહિતી મળી હતી કે ફેબ્રુઆરી ૨૦૧૯માં ગીર સોમનાથના એક યુવાને આપઘાત કરી લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલી એક વોન્ટેડ મહિલા સુરતમાં હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ આદરી હતી.
જે બાદમાં સુરત વોન્ટેડ મહિલા હસીના ઉર્ફે માયાની સિંધીવાડ ખાતેથી ધરપકડ કરી છે. હસીના ઉર્ફે માયાએ તેની બહેન મુમતાઝ સાથે મળી ફેબ્રુઆરી ૨૦૧૯માં ગીર સોમનાથના ઉનાના ગરાળના પિતા-પુત્ર ભાણાભાઈ અમરાભાઈ પુરાણી, જીતુભાઈ સાથે મળી ઉનાના આમોદ્રા ગામના યુવાનને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો અને રૂ.૧.૫૨ લાખ લઈને લગ્ન કરાવ્યા હતા. લગ્નના ત્રીજા દિવસે યોજના મુજબ યુવતી પહેરેલા દાગીના સાથે ભાગી ગઈ હતી. આથી ભોગ બનેલા યુવાને ભાણાભાઈ અને તેમના પુત્ર જીતુને વાત કરી હતી. જે તે સમયે ભાગી ગયેલી પત્ની બાબતે લોકોએ મ્હેણાં-ટોણાં મારતા યુવાને આઘાતમાં આવીને ઘરે જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે ઉના પોલીસ સ્ટેશનમા લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને છેતરપિંડીનો ગુનો નોંધાતા પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી. જ્યારે હસીના ઉર્ફે માયા અને તેની બહેન ફરાર થઈ ગઈ હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે ધરપકડ કરેલી મહિલાના સુરતમાં લગ્ન થયા હતા અને વર્ષ ૨૦૧૫માં છૂટાછેડા લીધા હતા. ગીર-સોમનાથના યુવાન સાથે છેતપિંડી બાદ તે પોલીસથી બચવા સતત ઘર બદલતી હતી. અંતે તેણી પોતાની બહેન સાથે રહેવા માટે સુરત આવી ગઈ હતી. અહીં તેણી સાડી ઉપર ટીક્કી અને સ્ટોન લગાવવાનું કામ કરતી હતી. આ કેસમાં પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાને ઉના પોલીસના હવાલે કરવામાં આવશે.