બ્રિટનમાં એક વરરાજો પર દુલ્હનની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. લગ્નના ચાર દિવસ બાદ દુલ્હનની લાશ સૂટકેસમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે દુલ્હનના પતિની ધરપકડ કરી છે.
‘ધ સન યુકે’ અનુસાર, ૫૨ વર્ષીય મહિલા ડોન વોકર અને ૪૫ વર્ષીય થોમસ નટના બુધવારે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના ચાર દિવસ બાદ વોકરની લાશ એક ખેતરમાંથી મળી આવી હતી. સૂટકેસની અંદરથી ડોન વોકરનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
લગ્નમાં આવેલા મહેમાનોએ જણાવ્યું હતુ
કે, આ કપલે જોન્યુઆરી ૨૦૨૦માં સગાઈ કર્યા પછી મહિનાઓ સુધી લગ્નનું આયોજન કર્યું હતું. છેવટે ગયા બુધવારે રજિસ્ટ્રી આૅફિસમાં તેઓએ લગ્ન કર્યા, જેમાં બંનેના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. વોકરને અગાઉના સંબંધથી બે બાળકો હતા.
વેસ્ટ યોર્કશાયર પોલીસના પ્રવક્તાએ કહ્યુંઃ “અમે પુષ્ટિ કરીએ છીએ કે, હેલિફેક્સમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યાની શંકાના આધારે ૪૫ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ ચાલુ છે.