સુપ્રીમ કોર્ટે યુપીના લખીમપુર ખીરીમાં ઓક્ટોબરમાં થયેલી હિંસાની તપાસની દેખરેખ માટે હાઇકોર્ટના ભૂતપૂર્વ જજના નામ નકકી કર્યા છે. હાઈકોર્ટે આ ઘટનાની તપાસ પર દેખરેખ રાખવાની જવાબદારી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ રાકેશ કુમાર જૈનને સોંપી છે. આ સિવાય યુપી સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઇટી ટીમમાં ત્રણ આઇપીએસ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે, કોર્ટે કહ્યું કે તે ચાર્જશીટ દાખલ કર્યા પછી અને જસ્ટિસ જૈન દ્વારા અહેવાલ રજૂ કર્યા પછી જ આ મામલે આગળની સુનાવણી કરશે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા ગયા મહિનાની ૩ તારીખે લખીમપુરમાં થયેલી હિંસાના કેસમાં આરોપી છે. તેની સાથે કેટલાક સાથીઓ પણ જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના પ્‌ લખીમપુર ખીરી વિસ્તારમાં ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમ પહેલા ખેડૂતો અને ભાજપના નેતાઓની વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ભાજપના નેતાએ ખેડૂતો પર પોતાની એસયુવી કાર ચલાવી દીધી હતી.જેમાં ત્રણ ખેડૂતોના મોત નિપજ્યા હોવાનો આરોપ ખેડૂત સંગઠનોએ લગાવ્યો છે જ્યારે અનેક ખેડૂતો ઘવાયા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ ભાજપના નેતાઓની કારો સહિતના વાહનોને આગ લગાવી દીધી હતી અને રોડ જામ કરી દીધો હતો. આ દરમિયાન જ ભાજપના નેતાઓ અને ખેડૂતો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં આઠ લોકો માર્યા ગયા છે. ૧૦ જેટલા ખેડૂતો ઘાયલ થઇ ગયા હતા અને માર્યા ગયેલામાં ત્રણ ખેડૂતો હોવાનો દાવો સંગઠનોએ કર્યો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતો બાદમાં વિફર્યા હતા. એડીજી એસએન સાબતે કહ્યું હતું કે અત્યાર સુધી ત્રણ ખેડૂતોના મોત નિપજ્યા છે.