લખીમપુર હિંસા કેસમાં ફોરેન્સિક લેબના રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટી થઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા અને તેના નજીકના અંકિત દાસના લાયસન્સવાળા હથિયારના બેલેસ્ટિક રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ થઈ છે. તેનાથી સ્પષ્ટ છે કે તિકુનિયામાં હિંસા દરમિયાન લાયસન્સવાળા હથિયારોથી ફાયરિંગ પણ કરવામાં આવી હતી.
હકીકતમાં તિકુનિયા હિંસા દરમિયાન ખેડૂતોએ ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ તપાસ માટે લખીમપુર પોલીસે અંકિત દાસની રીપીટર ગન, પિસ્તોલ અને આશિષ મિશ્રાની રાઈફલ અને રિવોલ્વર કબજે કરી ચારેય હથિયારોનો FSL રિપોર્ટ માંગ્યો હતો. રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ કરવામાં આવી છે.
એફએસએલ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આશીષ મિશ્રાના લાયસન્સવાળા હથિયારથી ફાયરિંગ થયું હતું, પરંતુ અત્યારે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે ફાયરિંગ રાયફલથી થયું હતું કે રિવોલ્વરથી. ફોરેન્સિક લેબના રિપોર્ટ પછી આશીષ મિશ્રા અને અંકિત દાસની મુશ્કેલી વધી શકે છે. હાલ બંને જેલમાં બંધ છે.
એ યાદ રહે કે ૩ ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરીના તિકુનિયામાં ખેડૂતોનો એક જૂથ ઉત્તર પ્રદેશના ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મોર્યાની યાત્રા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે ત્રણ વાહનના કાફલાએ ખેડૂતોને કચડી દીધા. આ દુર્ઘટનામાં ચાર ખેડૂતો અને એક પત્રકારનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. રોષે ભરાયેલા ટોળાએ ભાજપના ત્રણ કાર્યકરોને માર માર્યો હતો.
આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની હાજરીમાં વાહનોએ ખેડૂતો અને પત્રકારને કચડી નાખ્યા હતા. તેની સાથે આરોપ છે કે ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં લખીમપુર પોલીસે આરોપી આશિષ મિશ્રા અને તેના નજીકના લોકોની ધરપકડ કરી હતી. હાલ તમામ જેલમાં બંધ છે.