ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના ૩ મોટા નેતાનાં ઘરે એકસાથે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મઉમાં સપાના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાય, લખનઉમાં જૈનેન્દ્ર યાદવ અને મૈનપુરીમાં મનોજ યાદવનાં ઘરે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ત્રણેય નેતા સપા-અધ્યક્ષ અખિલેશ યાદવના ખાસ માનવામાં આવે છે. આ પાર્ટીના ફાઈનાન્સર માનવામાં આવે છે. જૈનેન્દ્ર યાદવ અખિલેશ મુખ્યમંત્રી હતા ત્યારે ઓએસડી પણ રહી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં આ પ્રમાણેના દરોડાને રાજકીય અેંગલથી પણ જોવામાં આવે છે.
સૌથી પહેલા શનિવારે સવારે ૭ વાગે રાજીવ રાયના મઉમાં શહાદતપુરામાં આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા. રાય ૨૦૧૪માં લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. રાયના દુબઈ અને બેંગલુરુમાં મેડિકલ કોલેજ છે. ઈન્કમટેક્સના દરોડાની માહિતી મળતાં જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી ગયા હતા. તેઓ ભાજપ સરકારના વિરોધમાં નારેબાજી કરી રહ્યા હતાં
રાજીવ રાય શરૂઆતથી જ સપા સાથે જોડાયેલા છે. ભૂમિહાર નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. મઉ, બલિયા અને ગાઝીપુર વિસ્તારમાં તેઓ ભૂમિહાર સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ મૂળ બલિયાના છે. અખિલેશ યાદવ રાજીવ રાયને ઘોસીથી ચૂંટણી લડાવવા માગતા હતા. તેના માટે તેઓ ત્રણ મહિના પહેલાં જ મઉ શિફ્ટ થયા છે. ત્યાં હમણાં જ તેમણે ઘર લીધું છે અને તેમની ઓફિસ શરૂ કરી છે.ધડાધડ દરોડા પડતાં શનિવારે સવારે મઉમાં ટીમ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયના ઘરે પણ પહોંચી હતી. ટીમ અંદર તપાસ કરી રહી હતી, તો બહાર સપાના કાર્યકર્તાઓએ બરાબરનો હોબાળો મચાવ્યો હતો. હોબાળો જોતા ભારે સંખ્યામાં ત્યાં પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા હતા.
વાસ્તવમાં, રાજીવ રાય ભૂતકાળમાં વિવાદમાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન થાય તે પહેલા જ તેમણે સપા નેતાઓ સાથે તેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. મઉ જિલ્લામાં એસપીના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા રાજીવ રાયે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રે ગાઝીપુર જિલ્લામાં ૧૬ નવેમ્બરે યોજોનારી અખિલેશ યાદવની જોહેર સભાને મંજૂરી આપી ન હતી. પોતાનો વિરોધ વ્યક્ત કરતા રાજીવ રાય અને તેમની સાથે એસપી નેતાઓએ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કર્યું.
લખનઉમાં જૈનેન્દ્ર યાદવના ગોમતી નગરવાળા ઘરે પણ ઈન્કમટેક્સની ટીમ પહોંચી છે. તેઓ અખિલેશના ખાસ હોવાના કારણે તેમના ઓએસડી બન્યા હતા. ત્યાર પછી જૈનેન્દ્ર યાદવે રિયલ એસ્ટેટસમાં પ્રવેશ કર્યો હતો. આગ્રા, લખનઉ અને અન્ય ઘણાં મોટાં શહેરોમાં જૈનેન્દ્રની ઘણી જમીન છે. એ સિવાય તેમની મિનરલ પાણીની ફેક્ટરી પણ છે. મૈનપુરીમાં મનોજ યાદવના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. તેઓ આરસીએલ ગ્રુપના ચેરમેન છે. તેઓ ઘણા સમયથી મૈનપુરીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પર કાર્યરત છે. મનોજ સપા અધ્યક્ષ અખિલેશની કોર ટીમના સભ્ય માનવામાં આવે છે.
દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ યાદવે આ કાર્યવાહીને રાજકીય ગણાવી છે.તેમણે આરોપ લગાવ્યો છે કે આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને પરાજય દેખાઇ રહ્યો છે આથી રાજકીય કાવતરા હેઠળ સપાના કાર્યકરો અને નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે.યાદવે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશની જનતા બધુ જોણે છે અને આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપને પાઠ ભણાવી દેશે.તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપ પોતાના રાજકીય વિરોધીઓને આઇટી,ઇડી સહિત સરકારી એજન્સીઓ દ્વારા દબાણ લાવી રહી છે.